પાટણ શહેરના રાજકાવાડાથી કાલીબજારને જોડતા માર્ગ પર ઉભરાતી ગટરો અને બીસ્માર માર્ગને લઈ લોકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે પ્રજાજનોની સમસ્યાને હલ કરવા કોંગ્રેસના આગેવાનોએ આંદોલનનું હથિયાર ઉગામ્યુ હતું. આ વિસ્તારના સ્થાનીક વેપારીઓએ પણ આજે સ્વૈચ્છીક બંધ પાળી કોંગ્રેસના આંદોલનને સમર્થન આપ્યું હતું.
રોગચાળો ફેલાવાની પણ ભીતિ
પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના સદસ્યો શહેરમાં રોજબરોજ સર્જાતી સમસ્યાઓ અને પ્રજાના પ્રશ્નોને હલ કરવા માટે કોઇ જ દરકાર કરતા નથી. વોર્ડ નં.9 અને 10 માં આવેલા રાજકાવાડા, લોટેશ્વર અને કાળીબજાર સિદ્ધિસરોવરને જોડતા માર્ગ પર છેલ્લા 17 દિવસથી ભૂગર્ભ ગટરો ઉભરાવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ ગટરના ગંદા પાણી માર્ગો પર ફરી વળતા રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઇ રહી છે.
વેપારીઓ વિપક્ષને સમર્થન આપ્યુંવધુમાં તાજેતરમાં પડેલા વરસાદને પગલે આ વિસ્તારના માર્ગોની હાલત પણ બીસ્માર બની ગઈ છે. સ્થાનીક રહીશો દ્વારા પાલિકા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના સત્તાધીશો કે અધિકારીઓ આ સમસ્યાને જાણે નજર અંદાજ કરતા હોય તેમ કોઇ જ સ્થાનીક કોર્પોરેટર આ સમસ્યાને જોવા ફરકતું નથી ત્યારે આજે પાટણના ધારાસભ્યની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો દ્વારા નગરપાલિકાની નિષ્ક્રિય કામગીરી સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ વિસ્તારના સ્થાનીક વેપારીઓએ પણ પોતાના ધંધા રોજગાર સ્વૈચ્છીક બંધ રાખી સમસ્યાનો હલ કરવા વિપક્ષને સમર્થન આપ્યુ હતું.
ધારાસભ્ય કિરીટ પટેલે રાજકાવાડા અને કાલીબજારના માર્ગો પર ઉભરાતી ગટરો તેમજ બીસ્માર માર્ગોનું નિરીક્ષણ કરી પાલિકા સામે આક્ષેપો કર્યા હતા અને સમસ્યાનો હલ નહીં આવે ત્યાં સુધી નગરપાલિકા સામે આંદોલન અને પાલિકામાં ધરણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયા, જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, કોંગ્રેસના કાર્યકરો તેમજ સ્થાનીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.