પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મોગલ દાતાર મસ્જિદ પાસે આવેલી નગર પ્રાથમિક કુમાર શાળા નંબર 5ના ફાઈબરના શૌચાલયમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. શાળાના શિક્ષકો અને સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, આગ કાબૂમાં આવી ન હતી. ફાયરબ્રિગેડની ટીમે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ શૌચાલયથી દૂર હોવાના કારણે જાનહાનિ થતા અટકી હતી.
વિદ્યાર્થીઓ ભોજન કરી રહ્યા હતા ત્યારે જ આગ લાગી
સિદ્ધપુરની મોગલ દાતાર મસ્જિદ પાસે નગર પ્રાથમિક કુમાર શાળા નંબર 5 આવેલી છે. શાળામાં કુલ 101 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની બાજુમાં જ વિદ્યાર્થીઓ માટે ફાઈબરના શૌચાલય બનાવવામાં આવ્યા છે. આજે બપોરના સમયે શાળાના વિદ્યાર્થીઓ ભોજન કરી રહ્યા હતા ત્યારે જ ફાઈબરના શૌચાલય અને આસપાસ એકત્ર થયેલા કચરામાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
બે ફાયર ફાઈટરોએ આગ કાબૂમાં લીધી
શાળાના શૌચાલયમાં આગની ઘટના બનતા શરૂઆતમાં શાળાના શિક્ષકોએ ફાયર સેફ્ટીના સાધનોથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ કાબૂમાં આવી ન હતી. ઘટનાની જાણ થતા બે ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટના સમયે વિદ્યાર્થીઓ શૌચાલય પાસે હાજર ન હોવાથી જાનહાનિ થતા અટકી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.