પાટણ જિલ્લામાં ખાનગી શાળાઓ દ્વારા કોરોના મહામારી બાદ મોંઘવારીને લઇ ધોરણ 1 થી 12 સુધીમાં ફી નિયમન નિયમ મુજબ 10 ટકા ઉપરાંત વધુ વધારા માટે એફિડેવિટ તેમજ દરખાસ્ત કરવામાં આવતા નિયમન કમિટી દ્વારા 63 શાળાઓને 10 ટકા તેમજ 4 શાળાઓને 12થી 32 ટકા સુધીનો ફી વધારો મંજૂર કરવામાં આવ્યો છે. ફી વધારો આ વર્ષથી જ લાગુ પડતાં વાલીઓના હવે બાળકો ભણાવવા માટે રૂ.500થી લઇ 5000 રૂપિયા સુધી વધુ ફી શાળાઓમાં ભરવી પડતા ખર્ચમાં વધારો થશે.
પાટણ જિલ્લામાં ખાનગી કુલ 72 શાળાઓ કાર્યરત્ છે. જેમાં વર્ષ 2019-20માં કોરોના મહામારીમાં શાળાઓ મોટાં ભાગે બંધ રહેતાં ખાનગી શાળાઓમાં ફીનો કોઈ વધારો કરાયો ન હતો. પરંતુ ફરી વર્ષ 2020-21 અડધા સત્ર બાદ શાળાઓ શરુ થવા પામી હતી. જેથી શાળાઓ દ્વારા નવીન શૈક્ષણિક વર્ષ 2022-23થી ખાનગી શાળાઓ બાળકોની લેવામાં આવતી ધોરણ 1 થી 12 સુધીની ફીમાં નિયમ મૂજબ 10 ટકા વધારા માટે જિલ્લાની 63 શાળાઓએ FRC કમિટીમાં એફિડેવિટ તેમજ 10 ટકાથી વધૂ વધારા માટે 7 શાળાઓએ દરખાસ્ત કરી હતી.
ફી નિયમન કમિટી દ્વારા મોંઘવારીનાં કારણે 63 શાળાઓને 10 ટકા ફી વધારો તેમજ દરખાસ્ત વાળી 7 પૈકી 4 શાળાઓને છેલ્લાં ત્રણ વર્ષની ફી ન વધારી હોય 12 ટકાથી 32 ટકા સુધીનો વધારો મંજૂર કરવામાં આવ્યો હતો. તેવું પાટણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યુ હતુ.
આ શાળાઓમાં 12 ટકાથી 32 ટકા વધશે
આગાખાન પ્રાયમરી હાઇસ્કુલ સિદ્ધપુર | 25-32% ફી વધારો |
ઓક્સફર્ડ સ્કૂલ પાટણ | 12-15% ફી વધારો |
લોર્ડ ક્રિષ્ના સ્કૂલ પાટણ | 30% ફી વધારો |
ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલ | 30% ફી વધારો |
જિલ્લાની 63 શાળાઓમાં | 10 % ફી વધારો |
આવતા વર્ષ માટે 61 શાળાઓએ ફી વધારો માંગ્યો
નવીન શૈક્ષણિક વર્ષમાં ફી વધારવા માટે અગાઉના વર્ષથી દરખાસ્ત કરવી પડતી હોય છે. ત્યારે આ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ પાસે એફિડેવિટ અને દરખાસ્ત કરવા માટે 15 મે સુધીની મુદત આપવામાં આવી હતી. જેમાં 57 શાળાઓએ નિયમ મુજબ 10 ટકાના વધારા માટે એફિડેવિટ તેમજ 10 ટકાથી વધુ ફી વધારા માટે 4 સ્કૂલોએ દરખાસ્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.