• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Fed Up With Her Father's Torture, The 13 year old Daughter Left The House, Explained A Lot But Was Ready To Go Home. The Distressing Pain Of A Teenager From Siddhpur

13 વર્ષીય કિશોરીની આપવીતી:'મને મારા પિતા લાકડીએ લાકડીએ મારે છે, મારે ઘરે નથી જવું', સાવકા પિતાના ત્રાસથી કંટાળી સગીરાને ઘર છોડવું પડ્યું

પાટણ11 દિવસ પહેલા
કિશોરી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
  • 181ની ટીમે ઘણું સમજાવી, પણ કિશોરી ઘરે જવા તૈયાર ન થઈ
  • અભયમની ટીમે કિશોરીને સુરક્ષિત આશ્રયગૃહમાં મોકલી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી

મારા દુઃખની તમને ખબર પડે નહીં, બાકી તમને ક્યારેય થયું છે કે ઘરે નથી જવું? આવી જ કંઇક વેદના એ 13 વર્ષની કિશોરીની હતી. તેના શબ્દો હતા કે 'મને મારા પિતા લાકડીએ લાકડીએ મારે છે, મારે ઘરે નહીં જવું..' સિદ્ધપુરના ગ્રામ્ય વિસ્તારની 13 વર્ષની કિશોરી તેના સાવકા પિતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગઇ અને શહેરની અજાણ ગલીઓમાં ઠોકરો ખાવા મજબૂર બની ગઇ. આમ તો આપણે દીકરીને ગાય માનીએ છીએ. કહેવત છે કે 'દીકરી અને ગાય દોરે ત્યાં જાય' પણ આ કિસ્સામાં 13 વર્ષીય દીકરી પોતાના સાવકા પિતાની મારઝૂડથી કંટાળી પહેરેલે કપડે ઘરેથી નીકળી ગઇ હતી. 181ની ટીમે ઘણું સમજાવી, પણ કિશોરી પિતાના ત્રાસથી એટલી કંટાળી ગઇ કે ઘરે જવા તૈયાર જ ન થઇ અને છેવટે અભયમની ટીમે તેને સુરક્ષિત આશ્રયગૃહમાં મોકલી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી.

કિશોરી શહેરની અજાણ ગલીઓમાં ઠોકરો ખાવા મજબૂર થઇ
સિદ્ધપુરના એક ગામમાં માતાએ બીજા લગ્ન કરતાં કિશોરી માતા સાથે સાવકા પિતાના ઘરે રહેતી હતી, પણ કિશોરીને કોઇ પ્રકારની આઝાદી ન હતી. તેને બસ ઘરમાં જ રહેવાનું હતું. ઘરકામ કરી ચાર દીવાલોમાં બંધ રહેવા છતાં તેના સાવકા પિતા તેના પર ત્રાસ ગુજારતા હતા. આખરે આ ત્રાસથી કંટાળીને કિશોરી ઘરેથી નીકળી સિદ્ધપુર શહેરમાં આવી ગઇ, શહેરની અજાણ ગલીઓમાં ઠોકરો ખાવા માટે મજબૂર થઇ ગઇ. કિશોરીને એકલા ઠોકરો ખાતા જોઇ કોઇ જાગ્રતને શંકા ગઇ અને તેની જોડે વાત કરી તો તેની વેદના સાંભળીને પગ નીચેથી જમીન સરકી ગઇ. ત્યાર બાદ જાગ્રત નાગરિકે 181 અભયમને ફોન કરી જાણ કરી.

કિશોરી તેના સાવકા પિતાથી એટલું કંટાળી ગઇ કે ઘરે જવા તૈયાર જ નથી.
કિશોરી તેના સાવકા પિતાથી એટલું કંટાળી ગઇ કે ઘરે જવા તૈયાર જ નથી.

સમજાવટ બાદ પણ કિશોરી ઘરે જવા તૈયાર ન થઇ
કિશોરીની સુરક્ષા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરતાં કાઉન્સેલર લક્ષ્મીબેન અને એએસઆઈ બબીબેન બન્ને મહિલાકર્મીઓ સ્થળ પર પહોંચી કિશોરીને સાથે લઈ આવી આશ્વાસન આપી તેને ઘરે મોકલી આપવા માટે સમજાવટ કરી હતી, પરંતુ તે પિતાના ત્રાસના ભયથી ઘરે જવા તૈયાર ન હોઈ, તેને સુરક્ષિત આશ્રયગૃહમાં મોકલી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી.

કિશોરીના સંવેદનશીલ શબ્દો

  • કિશોરી: મારા પિતા મને લાકડીએ લાકડીએ મારે છે, મારે ઘરે નથી જવું.
  • 181 મહિલાકર્મી: કેમ ઘરે નથી જવું?
  • (રડતાં રડતા) કિશોરી: મને બહુ મારે છે, બીજે ક્યાંક મૂકી જાઓ, પણ ઘરે નહીં.
  • 181- ક્યાં મૂકવા આવીએ?
  • કિશોરી- મને મારા પિતા બહુ મારે છે. પહેલાં લાકડીએ લાકડીએ મારી હતી. મારે અહીં નથી રહેવું ..(રડતાં રડતાં બૂમો પાડીને) મારે નથી રહેવું, નથી રહેવું..
અન્ય સમાચારો પણ છે...