ઠપકો આપતાં હત્યા કરી:ચાણસ્માના ખોરસમ ગામે આધેડને પિતા-પુત્રએ મોતને ઘાટ ઉતાર્યા, બાઈક ધીમું ચલાવવા ઠપકો આપતાં પેટમાં છરો હુલાવ્યો

પાટણ5 મહિનો પહેલા
  • બનાવની જાણ થતાં ચાણસ્મા પોલીસ સહિત જિલ્લા પોલીસ વડા ઘટનાસ્થળે દોડી આવ્યા
  • ગામમાં કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

પાટણના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે ગઈકાલે રવિવારની રાત્રે ફૂલ સ્પીડમાં બાઈક ચલાવવાની બાબતે ઠપકો આપનાર આધેડ ઉપર છરી વડે હુમલો કરી પિતા-પુત્રએ મોત નીપજાવ્યું હોવાની ઘટના બનતા ગામમાં સનસનાટી મચી જવા પામી હતી. બનાવની જાણ ચાણસ્મા પોલીસ સહિત જિલ્લા પોલીસ વડાને થતા તેમણે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ગામનું વાતાવરણ ડહોળાય નહિ તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો હતો. ઉપરાંત આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપી પિતા-પુત્રને ઝડપી લીધા હતા.

સૂત્રો અનુસાર પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્માના ખોરસમ ગામે રહેતા ભૂદરભાઈ થોભણદાસ પટેલ નામના આધેડે રવિવારના રોજ પુરઝડપે બાઈક હંકારીને પસાર થતા શહેઝાદ ખાન રહેમાન ખાન સિપાઈ નામના યુવકને બાઇક ધીમું હંકારવાનું જણાવી ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા શહેજાદ ખાન સિપાઈએ આ બાબતે તેના પિતા રહેમાન ખાન સિપાઈને જણાવતાં બંન્ને બાપ-દીકરાએ બાઈક ઉપર આવી બજારમાં ઉભેલાં ભૂદરભાઈને અપશબ્દો બોલ્યા હતા.

આરોપી પિતા-પુત્ર
આરોપી પિતા-પુત્ર

તેમજ મારા દીકરાને બાઈક સ્પીડમાં હંકારવા બદલ કેમ ઠપકો આપ્યો હતો તેમ કહી ઉશ્કેરાઈ જઈ પોતાની પાસેની છરી વડે ભૂદરભાઈ ઉપર હિચકારો હુમલો કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલાં ભૂદરભાઈ જમીન પર ફસડાઇ પડ્યા હતા. જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતાં ખોરસમ ગામમાં સનસનાટી મચી જવા પામી હતી.

આ બનાવની જાણ ચાણસ્મા પોલીસને તેમજ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાને થતાં તેઓ તાત્કાલિક ખોરસમ ગામે દોડી આવ્યા હતા. તેમજ ગામમાં કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બનાવની ચાણસ્મા પોલીસ મથકે મૃતકના કુટુંબી વિષ્ણુભાઈ ગંગારામભાઈ જીવણભાઈ પટેલ દ્વારા શહેજાદ ખાન રહેમાન ખાન સિપાઈ અને તેના પિતા રહેમાન ખાન સિપાઈ વિરૂદ્ધમાં ગુનો નોંધાવ્યો હતો. જેને પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવી ગુનામાં સંડોવાયેલા બંન્ને શખ્સોને ઝડપી લઈને આગળની કાયૅવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...