સામુહિક આત્મહત્યાનો પ્રયાસ:પાટણ એસપી કચેરી સંકુલમાં પિતાએ ચાર સંતાનો સાથે ઝેરી દવા પી લીધી, પત્ની અન્ય સાથે ભાગી ગઈ હોય પગલું ભર્યું

પાટણ2 મહિનો પહેલા
  • તમામને ગંભીર હાલતમાં ધારપુર સિવિલમાં ખસેડવામા આવ્યા
  • પાટણ એસપી ધારપુર હોસ્પિટલ પહોંચ્યા

પાટણ એસપી કચેરી સંકુલમાં આજે એક પિતાએ પોતાના ચાર સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ મચ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર શખ્સની પત્ની એક વર્ષ પહેલા અન્ય યુવક સાથે ભાગી ગયા બાદ મળી આવતી ના હોવાના કારણે આ પગલું ભર્યાનો ખુલાસો થયો છે. ચાર સંતાનો સહિત પિતાને હાલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. પાટણ એસપી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પર પહોંચ્યો હતો.

પાટણ એસપી કચેરી સંકુલમાં બનાવ બન્યો
હારીજ તાલુકાના ખાખલ ગામના રહેવાસી રેવાભાઈ છનાભાઈ પરમારના પત્ની આશાબહેન અને તેની સાત વર્ષની પુત્રી એક વર્ષ પહેલા કમલેશ ગોસાઈ નામના શખ્સ સાથે ભાગી ગયા હતા. જે અંગે 13 ઓકટોબર 2021ના રોજ રેવાભાઈ દ્વારા હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામા આવી હતી. તેમ છતાં તેની પત્નીનો કોઈ પત્તો ના લાગતા આજે તેઓ પોતાની ત્રણ પુત્રી અને એક પુત્ર સાથે પાટણ રજૂઆત માટે આવ્યા હતા. પાટણ એસપી કચેરી સંકુલમાં રજૂઆત માટે આવેલા રેવાભાઈએ કોઈ કારણોસર પોતાના ચારેય સંતાનો સાથે ઝેરી દવા પી લેતા દોડધામ મચી હતી. હાલ પાંચેયને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.

ચાર સંતાનો અને પિતાએ સામુહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો
પાટણ એસપી કચેરી સંકુલમાં રજૂઆત માટે આવેલા રેવાભાઈએ કોઈ કારણોસર અહીં જ પોતે અને પોતાની 17 વર્ષીય, 15 વર્ષીય અને 12 વર્ષીય પુત્રી તથા 16 વર્ષીય પુત્ર સાથે ઝેરી દવા પી લીધી હતી. તમામને હાલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

પાટણ એસપી ધારપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
પાટણ એસપી કચેરી સંકુલમાં જ સામુહિક આત્મહત્યાના પ્રયાસની ઘટના બનતા ખળભળાટ મચ્યો છે. પોલીસ ફરિયાદ બાદ પણ પોતાની પત્ની મળી આવતી ના હોવાના કારણે જ આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલાની તપાસ માટે ખુદ એસપી ધારપુર સિવિલ દોડી ગયા હતા.

તમામ લોકોની હાલત ગંભીર- ડોકટર
ચારેય સંતાનો સહિત પિતાને સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. સારવાર કરી રહેલા ડોકટરનું માનીએ તો, તમામની હાલત ગંભીર છે. પાંચેય દર્દીઓને હાલ વેન્ટિલેટર પર સપોર્ટ પર રાખવામા આવ્યા છે. પાંચેય લોકોએ જે દવા પીધી છે તે કૃષિ ઉપયોગમાં વપરાતી દવા હોવાનું જાણવા મળ્યું છે.

મહિલા પાંચ વખત ભાગી ગઈ હતી
ડીવાયએસપી આર.પી ઝાલાએ જણાવ્યું હતું કે રેવાભાઇ પરમારની પત્ની મૂળ રાજસ્થાનના પાલીની અને નામ નર્મદાબેન પદ્મસિંગ રાજપૂત છે. તેનું બીજું નામ આશા છે તેની હાલમાં આશરે 58 વર્ષની ઉંમર છે. તે 35 વર્ષ અગાઉ ઘરેથી નીકળી ગઈ હતી. અગાઉ કલોલ ખાતે એક શખ્સ સાથે રહેતી હતી ત્યાં પણ તેના સંતાન છે બાદમાં સરસ્વતીના મોટા વેલોડાના અમૃતભાઈ સાથે ભાગીને આવી હતી. બાદમાં સિદ્ધપુર ખળી ચોકડી પાસે મજૂરી કામ કરતી વખતે ખાખલના રેવાભાઇ પરમાર સાથે સંપર્ક થતાં ખાખલ ભાગીને આવી હતી,બાદમાં કચ્છના મુન્દ્રાના જેસલપુરા કંઠી ખાતે કમલેશગિરી નામનો શખ્સ તેને ભગાડી ગયો હતો.

પાંચેયની તબિયત ગંભીર
ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. મનીષ રામાવતે જણાવ્યું હતું કે પિતા સહિત ચાર સંતાનોની તબિયત ગંભીર છે હાલમાં તેમને વેન્ટિલેટર પર રાખી સારવાર આપવામાં આવી રહી છે.

કમલેશે ફોન થી દીકરીને મારી નાખવાની ધમકી આપી હતી
રેવાભાઈના સબંધી નગીનભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે 25 ડિસેમ્બર 2020ના દિવસે રેવાભાઇની પત્ની તેની દીકરીને કચ્છનો કમલેશ ગોસાઈ ભગાડી ગયો હતો તેની પોલીસમાં જાણવાજોગ અરજી અપાઈ હતી બાદમાં 3 જાન્યુઆરી 2020ના રોજ કમલેશનો ફોન આવ્યો હતો અને તેણે ધમકી આપી હતી કે તારી દીકરીને અમે વેચી મારીશું કે મારી નાખીશું બાદમાં બે વખત તેને હારિજ પોલીસમાં લાવી જવાબ લેવાયો હતો ત્યારે તેણે કહેલ કે તે મહિલા તેની પાસે 3 માસ રહી હતી અને બાદ ક્યાં નાસી ગઇ તેની ખબર નથી. જો કે પોલીસની તપાસથી તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પાંચનો આપઘાતનો પ્રયાસ
(1) રેવાભાઈ છનાભાઇ પરમાર
(2) નિશા પરમાર (ઉ.વ-17)
(03) ભૂમિ પરમાર (ઉ.વ-15)
(4) ભાનુંબેન પરમાર (ઉ.વ-12)
(5) પુનાભાઈ પરમાર (ઉ.વ-16)

અન્ય સમાચારો પણ છે...