નોંધપાત્ર વાવણી:પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા ખેડૂતોએ 98,325 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કર્યું

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના સમી તાલુકામાં સૌથી વધુ 21,125 હેક્ટર વાવેતર કરવામાં આવ્યું
  • જિલ્લામાં ઘાસચારો અને કપાસનું સૌથી વધુ વાવેતર કરાયું

પાટણ જિલ્લામાં વરસાદની શરૂઆત થતા જ ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી. જિલ્લામાં મેઘમહેર અને સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. પાટણ જિલ્લામાં 98325 હેક્ટરમાં વાવેતર થયું છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેતીના પાકને ફાયદો થયો છે. સાર્વત્રિક વરસાદના કારણે વાવેતર કરેલા બીજ ખેતરમાં ઊગી નીકળ્યા છે.

ખરીફ પાકોનું મબલખ વાવેતર થયું
પાટણ જિલ્લામાં ખરીફ પાકનું મબલક વાવેતર થયુ છે. જિલ્લાના તમામ તાલુકામાં ડાંગર, બાજરી, તુવેર, મગ, મઠ, અડદ, મગફળી, તલ, દિવેલા, પિયત કપાસ, ગુવાર, શાકભાજી, તેમજ ઘાસચારાનું નોંધપાત્ર વાવેતર થયુ છે. જિલ્લામાં સૌથી વધુ સમી તાલુકામાં 21125 હેક્ટર વાવેતર થયુ છે. આમ કુલ 98325 હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે.

કયા તાલુકામાં કેટલું વાવેતર?
પાટણ જિલ્લાના તમામ તાલુકામાં થયેલ વાવેતરની વાત કરીએ તો ચાણસ્મા તાલુકામાં 7717 હેક્ટર વાવેતર, હારીજમાં 6090 હેક્ટર, પાટણમાં 11010 હેક્ટરમાં વાવેતર થયુ છે. તો આ તરફ રાધનપુરમાં 10351 હેક્ટર વાવેતર નોંધાયુ છે.સમી તાલુકામાં સૌથી વધુ 21125 હેક્ટર વાવેતર થયુ છે તો સાંતલપુરમાં 15910, સરસ્વતીમાં 7222, શંખેશ્વરમાં 16070 અને સિદ્ધપુરમાં 3830 હેક્ટર વાવેતર થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે.

સૌથી વધુ ઘાસચારાનું વાવેતર થયું
પાટણ જિલ્લામાં સૌથી વધુ ઘાસચારાનું 39744 હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કર્યુ છે. જેના કારણે આખા વર્ષ દરમિયાન પશુપાલન માટે ઘાસચારાની તંગી ઊભી નહિ થાય. જ્યારે કપાસનું વાવેતર પણ 35116 હેક્ટરમાં થયુ છે.આ ઉપરાંત જિલ્લામાં કઠોળનું પણ 13584 હેક્ટરમાં વાવેતર થયુ છે. સાર્વત્રિક વરસાદના કારણે સમયસર વાવેતર થતાં બિયારણ ઉગી નીકળ્યું છે. ખેડૂતોને આશા છે કે, વરસાદ સારો રહેશે અને ખરીફ સિઝનની ખેતી સારી થતાં ખેડૂતોને ખરીફ સીઝનમાં સારી આવક થશે.બાલીસણા ગામના ખેડૂત વૈભવસિંહ ઠાકોર આનંદની લાગણી સાથે જણાવે છે કે આ વર્ષે સારો વરસાદ થયો છે. મારે 7થી 8 વીઘાના વાવેતરમાં હવે સારો પાક લેવાની આશા દેખાઈ રહે છે.

અન્ય સમાચારો પણ છે...