ખેડૂતો આક્રમક મૂડમાં:પાટણ જિલ્લાના 27ગામના ખેડૂતોએ જમીન સંપાદનના વિરોધમાં રેલી કાઢી, કલેક્ટરએ ધામા નાખી ઉગ્ર રજૂઆત કરી

પાટણ5 દિવસ પહેલા
  • ચૂંટણીની આચાર સંહિતા પહેલા જ જમીન સંપાદનનું પુરેપુરુ વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી

પાટણમાં ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જિલ્લાના 4 તાલુકાના 27 ગામના ખેડૂત આગેવાનો જમીન સંપાદનના વિરોધમાં વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન સાથે જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આગામી આચારસંહિતા પહેલા જ જમીન સંપાદનનું પુરેપુરુ વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

ધરણા યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
સરકારના ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત થરાદ-અમદાવાદ સૂચિત એકસપ્રેસ હાઇવેની કામગીરી માટે ખેડૂતોની જમીન સંપાદન માટે જાહેરાત કરવામાં આવી હતી. 213.80 કિલોમીટર લંબાઇ ધરાવતા સૂચિત એકસપ્રેસ હાઇવે માટે અંદાજીત 165 ગામોની હજારો એકર જમીન સંપાદિત કરવાની છે. જેને લઇ હજારો ખેડૂતોની તેના પર માઠી અસર થશે. તો આ જમીન સંપાદનથી અનેક ખેડૂતો જમીન વિહોણા થશે ત્યારે સરકારની આ નીતીના વિરોધમાં આજે પાટણ જીલ્લા ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા પાટણ સિધ્ધપુર હાઇવે ખાતેથી જીલ્લાના 24 ગામના ખેડૂતોએ વિવિધ બેનરો સાથે વિશાળ રેલી યોજી જીલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જયાં ખેડૂતોએ પ્રતિક ધરણા યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.

આંદોલનની ચીમકી
ખેડૂત આગેવાનોએ જિલ્લા નિવાસી કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યુ હતું કે, જમીન સંપાદનના કારણે ખેડૂતો પોતાની જમીનનું હોલ્ડીંગ ગુમાવશે એટલે કે ખેડૂત જમીન વિહોણો થઇ જશે. તેમજ જમીનના હજારો નાના નાના ટુકડાઓ અસ્તિત્વમાં આવશે. જેથી આ જમીન ખેડૂતના વપરાશ માટે લાયક નહીં રહે. વધુમાં જમીન સંપાદનપૂર્વે સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી ખેડૂતોએ આવેદનપત્રમાં માગ કરી છે. વધુમાં ત્રણ પાકના વાવેતરનું સરકાર દ્વારા આચારસંહિતા પહેલા વળતર ચુકવવામાં આવે તેવી ખેડૂત આગેવાને માગ કરી છે. વિપુલભાઈએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં કોઇ ન્યાય કરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરી સૂચિત જમીન સંપાદન સામેની લડત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ખેડૂતોને 10 કિલોમીટર ચાલવુ પડે છે
સાંતલપુરના બાવરડાગામના આહિર ઈશ્વરભાઇએ જણાવ્યું હતું કે, ભારતમાલા રોડમાં સાંતલપુર તાલુકાના 18 જેવા ગામોની જમીન સંપાદન થઈ છે. એમાંથી ઘણા ગામોને જમીન સંપાદનમાં એકરના માત્ર 4 લાખ રૂપિયા જ મળ્યા છે. તો તેમને વધારે વળતર મળે એ અમારી માંગણી છે. આના માટે અગાઉ રઘુભાઈ દેસાઈ (ધારાસભ્ય રાધનપુર વિધાનસભા)સાંતલપુર તાલુકાના મુખ્યમથક વારાહી ખાતે ધરણાં પણ કર્યા હતા. ભરતમાલા રોડ જે ગામોમાંથી નીકળ્યો એ ગામમાં જવા માટે બ્રિજની વ્યવસ્થા નથી કરી જેના લીધે ખેડૂતોને 10 કિલોમીટરનું અંતર ચાલવું પડે છે. પોતાના ખેતરે જવા પણ મોટું અંતર કાપવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...