પાટણ શહેરના માર્કેટયાર્ડમાં આવેલા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે આજે બુધવારે ખેડૂતો ખાતર લેવા માટે સવારથી જ સેન્ટર બહાર હમણાં ખાતરની ગાડી આવશે તેની વાટ જોઈ ખાતર લેવા બેસી ગયા છે. છેલ્લા દસ દિવસથી પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખાતરની એક પણ રેન્ક મળી નથી. હાલમાં પાટણ જિલ્લામાં 3 હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરની જરૂરિયાત સામે માત્ર 486 મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ હોવાના કારણે પાટણ, સરસ્વતી, સિધ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ખાતરની અછત વર્તાઈ રહી છે. જેના કારણે ખેડૂતોને યુરિયા ખાતર માટે ફાંફાં મારવા પડી રહ્યા છે.
નોંધનીય છે કે હાલમાં રાયડાના પાકમાં છેલ્લુ પિયત છે. પિયત વખતે પાકને ખાતર આપવાનું હોવાથી ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. છતાં ખેડૂતોને માત્ર બેથી પાંચ થેલી ખાતર મળી રહ્યું છે. જોકે હજુ વીસ દિવસ ખેડૂતોની ખાતર માટે વધુ માંગ રહેશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે મોટાભાગના રવિ પાકોમાં ખાતરની જરૂરીયાત રહે છે. રવિ સિઝનમાં ખાસ કરીને રાયડો, ઘઉં, જીરુ, તમાકુ, રજકો સહિતના મોટાભાગના પાકમાં યુરિયા ખાતરની જરૂરિયાત રહે છે. ખેડૂતો પિયત વખતે પાકને ખાતર આપે છે. દરેક ખેડૂતોની એક સાથે ખાતર માટે માંગ રહે છે, જેના કારણે માંગ વધી જાય છે. બીજી બાજુ સંઘો, મંડળીઓ કે પ્રાઇવેટ વિક્રેતાઓ પાસે ખાતરનો જથ્થો રાખવા માટે મોટા ગોડાઉન નથી. જેના કારણે તેઓ જરૂરિયાત પ્રમાણેનો સ્ટોક રાખી શકતા નથી.
પાટણના હાજીપૂર ગામના ખેડૂત રબારી ગોવિદભાઈ એ જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણ દિવસ થી ખાતર લેવા માટે આવું છું. જાણે કોઈ ધણી ના હોય તેમ ખેડૂતોનું મોત આવ્યું છે. હવે તો વિચારો ખેડૂતોનું શું થશે. આ સિવાય તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર સંદીપ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી એક પણ ટ્રક ખાતર આવ્યું નથી. પણ એક ખેડૂત બેસે એટલે બીજા ખેડૂતો આવીને બેસી જાય છે. અમને લાગે છે કે આજે ખાતર આવશે, જો કે હજુ સુધી કોઈ ટ્રક આવી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.