રાધનપુરના બાદરપુરા ગામ નજીક પસાર થતી અંડર ગ્રાઉન્ડ માઈનોર કેનાલમાં છેલ્લા 1 મહિના કરતાં વધારે સમયથી પાણી છોડવામાં આવ્યું નથી. જેને લઈ ખેડૂતોએ મહામહેનતે વાવેલા 500 વિઘાથી વધારે પાક સુકાવાને આરે જઈ રહ્યો છે. કેનાલમાં પાણી છોડવા બાબતે ખેડૂતોએ નર્મદા વિભાગને અનેકવાર મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતાં આજદિન સુધી પાણી ન આવતા કંટાળેલા ખેડૂતોએ સુકાયેલા પાકની હોળી કરીને નર્મદા વિભાગ સમક્ષ વિરોધ નોધાવ્યો હતો.
રાધનપુર તાલુકામાં પસાર થતી નર્મદા વિભાગની કેનાલોમાં રોજબરોજ ગાબડાઓ પડી રહ્યાં છે. નબરી ગુણવત્તા વાળી કેનાલો તુટતા કેનાલનુ હજારો લીટર પાણી ખેતરોમાં વહી જતા ખેડૂતોનો ઉભા પાક નિષ્ફળ જઈ રહ્યાં છે. રાધનપુર તાલુકામાં પસાર થતી કેનાલોમાં સફાઈના નામે કોન્ટ્રાકટર અને જવાબદાર ભ્રષ્ટ બાબુઓએ લાખો રૂપિયા અદ્ધરતાલ કર્યા હોવાના ચોકાવનાર આક્ષેપો પણ ખેડૂતો લગાવી રહ્યાં છે. આમ તાજેતરમાં રાધનપુર તાલુકામાં કેનાલો ઓવરફલો થતા બિન જરૂરી પાણી ખેતરોમાં વહી જતા ખેડૂતો લાખો રૂપિયાનું નુકસાન ભોગવી રહ્યા છે.
બીજી તરફ રાધનપુર તાલુકાના કેટલાક ગામના ખેડૂતો આજેપણ નર્મદાના પાણી વગર વલખા મારી રહ્યાં છે. બાદરપુરા ગામ નજીક પસાર થતી અંડર ગ્રાઉન્ડ માઈનોર કેનાલમાં છેલ્લા એક માસથી પાણી ન છોડાતા બાદરપુરા, મઘાપુર, ધરવડી સહિત અન્ય ગામના ખેડૂતો મંગળવારે એકઠા થઈને નર્મદા નિગમના બેજવાબદાર બાબુઓ સામે બાયો ચડાવી વિરોધ પ્રગટ કર્યો હતો.
ખેડૂતોએ વિરોધ નોધાવી જણાવ્યું હતુ કે, અમે ચાલુ વર્ષે 500 વીઘાથી વધારે જમીનમાં ઘઉં, તમાકુ અને દિવાલાનુ વાવેતર કર્યુ છે. પરંતુ કેનાલમાં પાણી ન છોડાતા અમારો 500 વીઘાનો પાક હાલ સુકાવા જઈ રહ્યો છે. આ અંગે કનુ જેઠાલાલ શાહે જણાવ્યું હતુ કે, નર્મદા કેનાલમાંથી સમયસર પાણી મળશે તેવી આશાથી મોટો ખર્ચ કરી વાવેતર કર્યુ છે. પરંતુ પાણી ન મળતાં પાક સુકાઈ રહ્યો છે.
આ બાબતે ખેડૂત મેઘા રાણાભાઈએ જણાવ્યું હતુ કે, કેનાલમાં છેલ્લા એક માસથી પાણી ન આવતા અમારો 500 વીઘાથી વધારેનો પાક નિષ્ફળ જવાને આરે આવ્યો છે, હજુ સમયસર પાણી નહી મળે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું તેવી ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી હતી.
બાદરપુરાના મુકેશ પચાણભાઈ સોલંકીએ જણાવ્યુ હતુ કે, નર્મદા વિભાગના અધિકારી સફાઈના નામે ખોટા વાઉચર અને બિલો બનાવી લાખોનો ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. પાણી છોડવા બાબતે એક્ઝક્યુટિવ એન્જિનિયર એનઆર પરમારને અનેકવાર રજૂઆત કરી પરંતુ હજુ સુધી પાણી મળ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.