મેઘકહેર:સિદ્ધપુરના કલ્યાણામાં વીજળી પડતાં ખેડૂતનું મોત સરસ્વતી પંથકમાં મકાનો,તબેલાનાં પતરાં ઉડી ગયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સરસ્વતીના  ગ્રામ્ય વિસ્તારમાં  તબેલાના છેડના પતરાઓ ઉડી ગયા - Divya Bhaskar
સરસ્વતીના ગ્રામ્ય વિસ્તારમાં તબેલાના છેડના પતરાઓ ઉડી ગયા
  • પાટણમાં અડધો કલાકમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો, ચાણસ્મામાં પોણા ઈંચને સિદ્ધપુરમાં અડધો ઈંચ વરસાદ

પાટણ સહિત સરસ્વતી, સિદ્ધપુર શંખેશ્વર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો પાટણમાં અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતા. સિદ્ધપુર તાલુકાના કલ્યાણ ગામે વીજળી પડતા ખેતરમાં ગયેલા ખેડૂતનું મોત થયું હતું. જ્યારે સરસ્વતી પંથકમાં વરસાદ સાથે ભારે પવન ફુકાતા તબેલા સહિતના છાપરા ઉડ્યા હતા.

સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે ચેનાજી રણછોડજી ઠાકોર (વર્ષ 57) ખેતર ખેડાવા ગયા હતા. ખેતરના શેઢા પર ઉભા હતા ત્યારે અચાનક કડાકા સાથે વીજળી પડતા તેમના શરીરનો જમણી બાજુનો ભાગ દાઝી ગયો હતો. ખેતર થોડે દૂરથી તેમના ભાઈ દોડી આવ્યા હતા ત્યારેે ચેનાજી બેભાન હાલતમાં હતા. તાત્કાલિક જીપડાલામાં ઘરે લાવ્યા બાદ ધારપુર સિવિલ ખાતે સારવાર માટે લઈ જવા્યા હતા.ડોક્ટરે તેમનું મૃત્યુ થયું હોવાનું જણાવતા તેમને પીએમ કરવા માટે પાટણ સિવિલ ખાતે લઈ જવાયા હતા. મૃતક ચેનાજી ઠાકોરને બે દીકરા અને બે દીકરીઓ છે.

જ્યારે સરસ્વતી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મોરપા, નાયતા, કાનોસણ, નાના નાયતા, કાંસા, રખાવ, ધનાસરા, મેલુસણ વરસાદ શરૂ થયો હતો. હેમણીપુરા, જાખા, જંગરાલ, વાસણી સહિતના આજુબાજુના ગામોમાં ભારે પવન ફુકાતાં તબેલાના છતના પતરા ઉડયા હતા. મેંહદીભાઈ જલાલભાઈ હેદરપુરા ગામના તબેલાના શેડના 30 પતરાં 500 મીટર દૂર ખેતરોમાં પડતા ભાગીને ભુક્કો થઈ ગયા હતા. વાસણી ગામે કાળાજી પરથીજી ઠાકોરને પગના ભાગે ઈંટ પડતા ફ્રેકચર થયું હતું.

સપ્ટેમ્બરમાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં 21 તાલુકામાં તોફાની વરસાદ વરસ્યો
મહેસાણા : કડીમાં 18 મીમી, વિસનગરમાં 14 મીમી, જોટાણામાં 6 મીમી, ખેરાલુમાં 2 મીમી, બહુચરાજીમાં 1 મીમી
પાટણ : પાટણમાં સવા ઇંચ, ચાણસ્મામાં 21 મીમી, સિદ્ધપુરમાં 15 મીમી, શંખેશ્વરમાં 2 મીમી
બનાસકાંઠા : કાંકરેજમાં 18 મીમી, વડગામમાં 15 મીમી, પાલનપુરમાં 15 મીમી, દાંતામાં 11 મીમી, દિયોદરમાં 8 મીમી, અમીરગઢમાં 4 મીમી
સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં 14 મીમી અરવલ્લી : માલપુરમાં 6 મીમી, ધનસુરામાં 5 મીમી, બાયડમાં 3 મીમી, મોડાસામાં 3 મીમી, ભિલોડામાં 1 મીમી

અન્ય સમાચારો પણ છે...