પાટણ જિલ્લામાં શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે પાંચ શખ્સોએ ખિજડાના 30 જેટલા વૃક્ષો કાપી લાકડાની ચોરી કરી હોવાના આક્ષેપ સાથે ગામનાં ડોડીયા નનુભાઈ પથાભાઈ દ્વારા પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. વૃક્ષોનું નિકંદન કાઢી લાકડાની ચોરી કરી જનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
આ બાબતે મળતી હકીકત મુજબ શંખેશ્વર તાલુકાના ટુવડ ગામે રહેતા ડોડીયા નનુભાઈ પથાભાઈ એ પોલીસને આપેલ લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, પોતાના ખેતીરના ફરતે ઉત્તર તેમજ દક્ષિણ દિશાના શેઢા પર મહા મહેનતે વાવેલા તથા ઉછેરેલા ખિજડાના પાંચ વૃક્ષ છેલ્લા 20(વીસ) વર્ષથી ખેતી માટે જરૂરી નાઈટ્રોજન પૂરો પાડી રહ્યા હતા.
ગુરૂવારે હું ખેતરની વાડ સરખી કરવા ગયા ત્યારે ખેતી માટે વરદાન રૂપ તથા પ્રકૃતિની અમૂલ્ય સંપત્તિ એવા મારા આ ખેતરના પાંચ ખિજડાના વૃક્ષ તથા આજુબાજુના ખેતરના શેઢા પર રહેલા અન્ય 25 ખિજડાના વૃક્ષ આમ કુલ 30 વૃક્ષ ઠાકોર વસાજી મેલાજી તથા અન્ય પાંચ ઈસમો રહે ગામ મનવરપુરા (કોઢ) તા-શંખેશ્વર જિ-પાટણ ટ્રેક્ટર, ટ્રોલી તથા વૃક્ષો કાપવાના હથિયારો સાથે કોઇની પણ મંજૂરી વિના કાપી તેના લાકડાની ચોરી કરી છે. એક તરફ સરકાર તથા અન્ય સેવાભાવી સંસ્થાઓ જન આંદોલન દ્વારા વૃક્ષો વાવો વૃક્ષો બચાવો ના અભિયાન કરી રહી છે તેવા સમયે આવી રીતે ખેતીની જમીન પરથી વૃક્ષોનું નિકંદન કાઢી નાખવું એ જઘન્ય અપરાધ છે.
આ વૃક્ષોના નિકંદન થકી અમારી ખેતીની ફળદ્રુપતા પણ ઘટી જશે જેનાથી અમોને પણ ઘણું આર્થિક નુકસાન વેઠવું પડશે. ત્યારે ઠાકોર વસાજી મેલાજી તથા અન્ય પાંચ ઈસમો વીરૂદ્ધ અમારી માલીકીની જમીન ખાતા નંબર 934 સર્વે નંબર 439/ pટ પર આવી અમારી કે અન્ય કોઇની પણ મંજૂરી વિના વૃક્ષો કાપવા તથા તેના લાકડાની ચોરી કરવા બદલ IPC 425 તથા 378 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.