20 વર્ષના લગ્નજીવનનો કરુણ અંત:પાટણમાં ગળામાં છરી ફેરવી પત્નીને મોતને ઘાટ ઉતારી, પતિનો પણ આપઘાત, પલભરમાં ત્રણ બાળકોએ સર્વસ્વ ગુમાવ્યું

પાટણએક મહિનો પહેલા
  • પતિની હત્યા નિપજાવ્યા બાદ પતિએ ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવ્યું

પાટણમાં ઘરકંકાસના કારણે એક પરિવારનો માળો વિખેરાયો છે. ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીની હત્યા નિપજાવ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ત્રણ સંતાનોએ માતાપિતાની છત્રચાયા ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

પત્ની જ્યોત્સનાબેન તેમના બાળકો સાથે પીયરમાં રહેતી હતી
પાટણને જોડતા હાઇવે માર્ગ પર આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં ઘરકંકાસની નજીવી બાબતે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ આત્મહત્યા કરી લેતા સમગ્ર ઘટના અંગે ચકચાર મચી જવા પામી છે . જાણવા મળતી માહિતી મુજબ પાટણ હાઇવે માર્ગ પર આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં રહેતા કનુજી રઘુજી ઠાકોર અને તેમના પત્ની જયોત્સનાબેન કનુજી ઠાકોરનાં 20 વર્ષના લગ્નજીવનમાં થોડા સમય પહેલા કોઇ બાબતે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતાં છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસને લીધે પત્ની જ્યોત્સનાબેન તેમના બાળકો સાથે પીયરમાં રહેતી હતી.

પતિએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી
થોડા સમય પહેલા બાળકોને પીયરમાં મુકી પત્ની જયોત્સનાબેન પાટણ ખાતે આવ્યા હતા. આજે પતિ કનુજી ઠાકોર પોતાના મગજનું સંતુલન ગુમાવી બેઠો હોય તેમ પત્નીની કરપીણ હત્યા કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં કનુજી ઠાકોરે પોતે પણ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. સુરમ્ય રેસીડેન્સીમાં ખેલાયેલા ખુની ખેલની ઘટનાની જાણ પાટણ પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

ત્રણ સંતાનોએ માતાપિતાની છત્રછાયા ગુમાવી
ઘરકંકાસના કારણે પત્નીની હત્યા નિપજાવ્યા બાદ પતિએ પણ આત્મહત્યા કરી લેતા બે દીકરીઓ અને એક દીકરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

દોઢ વર્ષથી પરિણીતા રીસામણે હતી
મૃતક પરિણીતાના પિતા જીવનભાઈ જણાવ્યું હતું કે અમે બધા લોકાચાર માટે ઘરેથી બહાર ગયા હતા. દીકરી ઘરે એકલી હતી તે સમય અમારા જમાઈ ઘરે આવી આ કૃત્ય કર્યું છે. અમને આ બાબતે ખબર ન હતી. જાણ થતાં ઘરે દોડી આવ્યા હતા છેલ્લા બે વર્ષથી મારી દીકરી પતિના ત્રાસથી કંટાળીને અમારા સાથે રહેતી હતી.

ઘરના આંગણામાં બંનેના મૃતદેહો એકી સાથે પડ્યા હતા
​​​​​​​પાટણ શહેર બી ડિવિઝન પીઆઈ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સવારે 10:00 થી 11:00 વચ્ચે આ ઘટના બની હોય 12:30 આસપાસ ભત્રીજો ઘરે ટિફિન લેવા જતા જાણ થઈ હતી અને પરિવારને જાણ કરી હતી. તેમના દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ઘરના આંગણામાં બંનેના મૃતદેહો એકી સાથે પડ્યા હતા. મહિલાના ગળાના ભાગે ત્રિશુલ જેવી છરી જેવા હથિયારથી ઘા મારીને પત્નીની હત્યા કર્યા બાદ પોતે જાતે જ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાનું જોવા મળ્યું હતું હાલ પરિવારના નિવેદન આધારે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પતિએ પ્રિ પ્લાનિંગ સાથે ઘટનાને અંજામ આપ્યો
મહિલાનો પરિવાર લોકાચારે બહાર ગામ ગયો હતો. પિતા ધંધે ગયા હોઈ પત્ની ઘરે એકલી હતી તે સમય પતિ ત્રિશુલ જેવી નાની છરી વડે હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરવાના પ્લાન સાથે આવ્યો હોય તેમ ભાગવાના બદલે તેની લાશ જોડે જ ઝેરી દવા પી સૂઈ ગયો હતો. આમ પહેલાથી જ મગજમાં ખૂની ખેલ રચી ઘરે આવ્યો હોય તેવું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

બંનેના મોતથી ત્રણ સંતાનો નોંધારાં બન્યાં
ઉશ્કેરાયેલા પતિએ તેની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લેતાં બે દિકરીઓ અને એક પુત્ર મળી ત્રણ સંતાનો નોંધારાં બન્યાં છે. ત્રણેયની માતા પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.

એક મોટો અને એક સામાન્ય ઘા ગળા પર માર્યા
પીએમ કરનાર પેનલ ડોક્ટરોની ટીમે જણાવ્યું હતું કે મહિલાના ગળાના ભાગે છરીનો એક મોટો ઘા અને એક નાનો ઘા હતા. અન્ય કોઈ ભાગે ઘા કરેલ નથી. પતિના શરીર પર કોઈ પ્રકારનો ઘા નથી. ઝેરી પ્રવાહી પીવાથી મોત થયું છે આવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. વધુ માહિતી પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.

પોલીસ પહોંચતા દંપતી મૃત્યુ પામેલું હતું
પીઆઈ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સવારની ઘટનાથી 12:30 આસપાસ પોલીસને જાણ કરાઈ. પોલીસ ઘટના સ્થળે પહોંચતા ઘર અંદરથી બંધ હોઈ પાછળના ભાગેથી કૂદી પોલીસ અંદર જઈ દરવાજો ખોલ્યો હતો. તપાસ કરતા બન્નેના ઘટના સ્થળે મોત થયેલા હતા. ગળાના ભાગે છરી મારી હત્યા કરી પોતે દવા પી આત્મહત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...