સિદ્ધપુર તાલુકાનાં મુડાણા ગામેથી તાજેતરમાં પોલીસે વાહનોની બનાવટી આર.સી. બુક બનાવવાનાં કૌભાંડમાં આરોપી અસ્ફાકભાઇ અબ્દુલભાઇ મોમીને ઝડપી પાડ્યો હતો. ત્યારે આ આરોપીએ મૂકેલી નિયમિત જામીન અરજી પાટણની સેશન્સ કોર્ટનાં જજ ડી.એ. હિંગુએ ના મંજૂર કરી હતી.
તા. 5-5-22નાં રોજ પોલીસે બાતમીના આધારે સિદ્ધપુરનાં મુડાણા ગામે રેડ કરીને આરોપી અસ્ફાકભાઇની અટકાયત કરી સિદ્ધપુર કોર્ટમાં રજુ કરીને એક દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. તેમની સામે એવો આક્ષેપ હતો કે, બેંક કે ફાઇનાન્સ કંપનીઓ દ્વારા સીઝ કરાતા વાહનો કોઈ પાર્ટીને વેચાણ અપાવી તેવા વાહન ખરીદનારનાં નામે કરી આપવા અલગ-અલગ આર.ટી.ઓ. કચેરી કે અલગ-અલગ વાહનોનાં માલિકોનાં નામના આર.ટી.ઓ. અધિકારીના સહીવાળી વાહનોની આર.સી. બુક મેળવી તેને થીનર નામનાં કેમીકલથી દૂર કરતો હતો. ત્યારબાદ વાહન ઓનલાઇન ટ્રાન્સપોર્ટ ડીપાર્ટમેન્ટ ઓથોરીટીમાં ફોર્મ નં. 24 મેળવી તેમાંથી વાહનોની વિગતો મેળવી તે વિગતો પ્રિન્ટરમાં સેટ કરી અસલ આર.સી. બુક જેવી ખોટી આર સી બુક બનાવતો હતો. જે તે આરટીઓ કચેરી ખાતે આર.સી. બુક રજૂ કરીને તેના આધારે વાહન ખરીદનારનાં નામે નવી અસલ આર.સી. બુક મેળવીને ગુનો આચરતો હતો.
પોલીસે આરોપીની ઘરે રેડ કરીને થીનર, પ્રિન્ટર અને 10 બનાવટી આર.સી. બુકો ઝડપી અત્રેથી રૂા. 40,025નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ત્યારે આરોપીએ મૂકેલી જામીન અરજીની સુનાવણી કરીને કોર્ટે જામીન ના મંજૂર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.