સિધ્ધપુર શહેરની હાઈવે ઉપર આવેલી જીઆઇડીસીની ફેક્ટરીનાં એક સંચાલકનું અપહરણ કરીને તેને માર મારી તેની પાસે રુપિયાની માંગણી કરવાની ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ગઈકાલે સિધ્ધપુરની જીઆઇડીસીની વધુ એક ફેક્ટરીનાં સંચાલક પાસે રૂા. 16 લાખના બદલામાં વ્યાજનાં વધુ નાણાંની ઉઘરાણી કરીને તેનું કથિત અપહરણ કરીને ઉઠાવી જઇને તેની મિલકત હડપ કરવાનાં ઇરાદે લખાણમાં સહીઓ કરાવી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ વેપારીએ નોંધાવી હતી.
શું છે સમગ્ર મામલો?
આ અંગેની મળતી માહિતી મુજબ મુળ રાજકોટનાં ઉપલેટાનાં રહિશ અને સિધ્ધપુરની જીઆઇડીસીનાં પ્લોટ નં.15માં મારુતિ પાઇપ ઇન્ડસ્ટ્રીઝનાં સંચાલક રશ્મિકાંત મનસુખભાઇ પટેલને અગાઉ કોરોનાં કાળમાં 2021માં મંદી આવતાં તેઓને પૈસાની જરુર પડતાં તેઓએ વ્યાજે નાણાં ધિરનાર એક વ્યક્તિનો સંપર્ક કરીને તેમની પાસેથી રૂા.16 લાખની રકમ ઊંચા વ્યાજે લીધી હતી. જેની ઉઘરાણી માટે અઠવાડીયા પછી રશ્મિકાંતની ફેક્ટરીએ આવેલા પરબતસિંહ તથા અન્ય એક વ્યક્તિએ વ્યાજનાં રૂા.10 હજારની માંગણી કરી કહેલ કે, અમે રોજનું વ્યાજ ગણીએ છીએ. એટલે તમારે રોજનું રૂા.1,60,000નું વ્યાજ ગણીને ચુકવું પડશે. વ્યાજ તમને પોષાય તો પૈસા રાખો જો ન પોષાય તો પાછા આપો. તેમ કહેતાં પૈસા માંગનારાઓએ ગાળો બોલી હતી.
વ્યાજખોરોએ ધમકી આપી
બાદમાં ફરીવાર તેઓએ રશ્મિભાઇ પાસે આવીને તેમને ગાડીમાં બેસાડી નોટરી રુબરુ કોઇ લખાણમાં સહીઓ કરાવી પાછા ફેક્ટરીએ લઇ જઇને સહી કરેલા પાંચ કોરા ચેક લઇને ‘તારા મકાનનો સ્ટેમ્પ કરાવ્યો છે ને તે મારા ભાગીદાર પાસેથી રૂા.25 લાખ ધંધા માટે લીધા છે. તેનો સ્ટેમ્પ કરાવ્યો છે.' તેમ તેમ કહીને પૈસા આપવામાં આઘુ પાછું કરીશ તો તારું શું થશે ? તેની તને ખબર છે ને ?’ તેવી ધમકી આપી હતી.
રજિસ્ટ્રાર કચેરીએ લઇ જઇને સહી કરાવી
આ પછી ત્રણેક મહિના બાદ જુન-22 માં પૈસાની ઉઘરાણી કરવા ફેક્ટરીએ આવીને અત્યારે જ પૈસા આપી દેવા જણાવીને તલવારનાં ઝાટકા ખાવાની તૈયારી રાખવા તથા તારા બૈરી છોકરાનું કિડનેપીંગ કરી ઉપાડી જવાની ધમકી આપી તેમનાં રહેણાંક મકાનનું કબજા વગરનું બાનાખત બનાવીને લાવી રજિસ્ટ્રાર કચેરીએ લઇ જઇને સહી કરાવી હતી.
વેપારી રશ્મિકાંતે પૈસાની ચુકવણી કરવા છતાં હજુ રૂા.2.70 કરોડ લેવાનાં નિકળે છે તેમ જણાવીને તેમની ફેક્ટરીમાં તેમનો હિસ્સો પણ લખાવી દીધો હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવતાં પોલીસે 365,366, 378,342,347 મુજબ ગુનો નોંધ્યો હતો. આ અંગે વેપારી રશ્મિકાંતે ગૃહમંત્રીને પણ અરજી કરી હતી જે આધારે ઉપરોક્ત ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.