ચૂંટણીલક્ષી મુલાકાત:પાટણમાં ખર્ચ ઓબઝર્વરે સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ લોકોને મતદાન અંગે જાગૃત કર્યા

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં આગામી તા.05.12.2022ના રોજ બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયાની તમામ બાબતો પર ઓબઝર્વરો પાટણમાં રહીને વોચ રાખી રહ્યા છે. કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર વોચ રાખવા માટે અને તેનું નિરિક્ષણ કરવા માટે પાંચ જેટલા ઓબઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. આજરોજ પાટણ જિલ્લાની 18-પાટણ અને 19-સિદ્ધપુર વિધાનસભા બેઠક માટે નિયુક્ત કરાયેલ ખર્ચ ઓબઝર્વર સર્વેશસિંઘે પાટણના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તેઓને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.

વિવિધ વિસ્તારોમાં સતત નિરીક્ષણ
આજરોજ ખર્ચ ઓબઝર્વર સર્વેશસિંઘે 18-પાટણ વિધાનસભા મતવિસ્તારના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને અહી રહેતા મતદારો સાથે સીધો સંપર્ક કર્યો હતો. મતદારોને ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરીને તેઓને મતદાન વિશેની સમજણ ઓબઝર્વએ આપી હતી.

સો ટકા મતદાન કરવા માટે પ્રેરીત કર્યા
ખર્ચ ઓબઝર્વર સર્વેશસિંઘે આજે 18-પાટણના સંખારી,રણુંજ, મણુંદ અને સંડેર ગામોની મુલાકાત લીધી હતી અને ત્યાં જઈને લોકોને કોઈ પણ જાતની લોભ-લાલચમાં આવ્યાં વગર સો ટકા મતદાન કરવા માટે પ્રેરીત કર્યા હતા. હાલમાં જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા એવા વિસ્તારોમાં જઈને પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે જ્યાં ઓછું મતદાન થયું હોય અથવા ઓછું મતદાન થવાની શક્યતા હોય. તેથી હાલમાં જિલ્લામાં આવેલા ઓબઝર્વર્સ દ્વારા પણ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

અન્ય સમાચારો પણ છે...