વરસાદની શક્યતા:સાંજે 20 કિમીની ઝડપે પવન ફૂંકાતાં ધૂળની આંધી ચડી : 500 મીટર આગળ બધુ ધૂંધળું

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી 3 દિવસમાં ગરમી 2 થી 3 ડિગ્રી ઘટશે, 28-29 મેએ વરસાદની શક્યતા
  • ઉ.ગુ.માં તાપમાન 2 ડિગ્રી ઘટવા છતાં ગરમ પવનના કારણે આકરી ગરમી અનુભવાઇ

ઉત્તર ગુજરાતમાં મોટાભાગે સતત ફૂંકાઇ રહેલા પશ્ચિમ દિશાના પવનના કારણે ગુરૂવારે દિવસનો પારો 2 ડિગ્રી સુધી ઘટ્યો હતો. પરંતુ દિવસભર અસામાન્ય પવન ફૂંકાતાં દેહદઝાડતી ગરમીનો અનુભવ થયો હતો. જ્યારે સાંજે પવનની ગતિ વધીને પ્રતિ કલાકે 20 કિલોમીટરની થઇ હતી. ભારે પવન સાથે ચડી આવેલી ધૂળ આંધીમાં ફેરવાઇ હતી.

ગરમ લાહ્ય પવન અને ધૂળના કારણે ચાર દીવાલોની બહાર નીકળવું ભારે મુશ્કેલીભર્યું બન્યું હતું. ધૂળની આંધીના કારણે 500 મીટર આગળનું બધુ જ ધૂંધળું દેખાતું હતું. બપોર સુધી ગરમ લાહ્ય પવને દઝાડ્યા બાદ સાંજે ધૂળની આંધીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, 28 મે સુધીમાં ગરમી 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. તેમજ 28 અને 29 મે ના રોજ ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. જો કે, વરસાદ છુટાછવાયા વિસ્તારો પુરતો રહી શકે છે.