અઘાર ગામમાં ગ્રામજનો રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા આયોજન કરીને બેઠા હોવા છતાં ફ્કત ઢોર ડબ્બાના અભાવે કામગીરી શરૂ ના કરી શકતા ગ્રામજનો દ્વારા ઢોર પકડવા માટે યોગ્ય સાધન સામગ્રી આપવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ત્યારે જિલ્લામાં એકમાત્ર અઘાર ગામમાં જ નહીં સમગ્ર જિલ્લામાં રખડતા ઢોરોનો અતિશય ત્રાસ હોય રોડ રસ્તાઓ ઉપર બેફામ રખડતા હોય વાહન ચાલકો અને રાહદારીઓ માટે મોટું જોખમ તોળાઈ રહ્યું છે. વધુ કોઈ હિંસક બનાવમાં વધુ કોઈ જીવ ગુમાવે તે પહેલા તંત્ર સમસ્યા હલ કરવા સત્વરે આયોજન કરે તે જરૂરી બન્યું છે.
સરસ્વતીના અઘાર ગામમાં હાલમાં બે સહિત 3 લોકોના આખલાએ જીવ લીધા બાદ ગ્રામજનો દ્વારા ઢોર પકડવા માટે સાધન સામગ્રી આપવામાં આવે તેવી માંગ સાથે મંગળવારે કલેકટર કચેરી ખાતે આવી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડને અને ત્યારબાદ ધારાસભ્ય કિરીટ પટેલને રજૂઆત કરવામાં આવી હતી.
જે અનુસંધાને કલેક્ટરની સૂચના આધારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તંત્ર દ્વારા બનતી મદદ કરવાની ખાત્રી આપી હતી. ધારાસભ્ય દ્વારા પણ આ બાબતે કલેક્ટર સાથે વાત કરી યોગ્ય મદદ થવાની હૈયા ધારણા આપી હતી. અઘાર ગામમાં રખડતા ઢોર મામલે લોકો જાગૃત થયા છે ત્યારે સમગ્ર જિલ્લામાં આ સમસ્યા હોઈ ઢોર પકડવા અને નિરાકરણ લાવવા પગલાં લેવાય તેવા લોકોએ મંતવ્ય વ્યક્ત કર્યા હતા.
અધાર ગામને જરૂરી મદદ મળશે
અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ એ જણાવ્યું હતું કે ગામની રજૂઆત મળતા યોગ્ય કાર્યવાહી અને મદદ માટે જિલ્લા પંચાયત હસ્તક ગામ હોય ડીડીઓને મોકલી આપેલ છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીએ જણાવ્યું હતું કે ગામમાં ઢોરની સમસ્યા હલ કરવા મામલે તંત્ર દ્વારા તેમની અપેક્ષા મુજબ જરૂરી મદદ કરવાનો પ્રયાસ કરીશું. ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે ગામને ઢોર ડબ્બો સત્વરે મળે તે માટે મારો પૂરતો પ્રયાસ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.