• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • During Self reliant Village Yatra In Patan District Rs. 68.46 Crore Development Works Will Be E Khatmuhurt And E Lokarpan

શુભારંભ:આત્‍મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન પાટણ જિલ્‍લામાં રૂ. 68.46 કરોડના વિકાસના કામોના ઈ-ખાતમુહુર્ત તથા ઈ-લોકાર્પણ કરાશે

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરસ્વતીના કાંસા ગામથી ત્રિદિવસીય આત્‍મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરાયો

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત રાજય સરકાર દ્વારા આજથી સમસ્‍ત રાજયમાં આત્‍મનિર્ભર ગ્રામ યાત્રા યોજાઇ રહી છે. જે અંતર્ગત પાટણ જિલ્‍લામાં જી.આઈ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત દ્વારા સરસ્વતી તાલુકાના કાંસા ખાતેથી જિલ્લા પંચાયતની 32 સીટોમાં સમાવિષ્ટ ગામોમાં ફરી રાજય સરકારના 12 જેટલા વિભાગોની યોજનાકીય માહિતી સાથેના 03 રથને લીલી ઝંડી આપીને પ્રસ્‍થાન કરાવવામાં આવ્યું હતું.

પ્રાસંગીક ઉદબોધન કરતાં જી.આઈ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, દેશની આઝાદીના 75 વર્ષની પૂર્ણાહૂતિ નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના ગામડાઓ આત્મનિર્ભર બને તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતના 10 હજારથી વધુ ગામોમાં યોજાનારી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે.

વધુમાં બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ભૂતકાળમાં જરૂરી દાખલા જેવા નાનકડા કામો માટે અધિકારીઓ પાસે જતા જ્યારે રાજ્ય સરકારના જનહિતલક્ષી અભિગમના પરિણામ સ્વરૂપ સેવાસેતુ જેવા કાર્યક્રમો દ્વારા સરકાર તમારા આંગણે આવી છે. તે જ રીતે આ યાત્રા દ્વારા સમગ્ર રાજ્યમાં 12 જેટલા વિભાગો દ્વારા વિવિધ યોજનાકીય લાભો તથા સુવિધાઓ સમર્પિત કરવામાં આવી રહી છે.

આ ત્રણ દિવસ દરમ્યાન કરોડો રૂપિયાના વિકાસલક્ષી કામો અને લાભાર્થીઓને વ્યક્તિગત સહાય આપવામાં આવનાર છે.ત્યારે ‘આત્‍મનિર્ભર ગ્રામ યાત્રા' રાજ્ય સરકારના જનસુખાકારીના સંકલ્પ અને સર્વસમાવેશી અભિગમની પ્રતિતિ કરાવે છે.

આ પ્રસંગે પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું કે, છેલ્લા 25 વર્ષના શાસનકાળ દરમ્યાન આપણે જોઈએ છીએ કે જનકલ્યાણનો માર્ગ કેવો હોય. સર્વગ્રાહી, સર્વસ્પર્શી અને સર્વાંગી વિકાસ માટે રાજ્યના તમામ સમાજના લોકો સ્વાભિમાનથી જીવી શકે તે પ્રકારની કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ગ્રામ વિકાસથી જ ઉત્થાન છે તે વાતને ધ્યાનમાં રાજ્યના ગામડા સમૃદ્ધ બને તે માટે આદર્શ ગ્રામ, ગોકુળીયુ ગામ, સમરસ ગામ જેવી અનેક યોજનાઓ થકી ગ્રામીણ વિસ્તારો નવપલ્લવીત થયા છે.

જી.આઈ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂતે કાંસા ખાતે ત્રિદિવસીય ‘આત્‍મનિર્ભર ગ્રામ યાત્રા' અન્‍વયે પાટણ જિલ્‍લામાં રૂ.68.46 કરોડના 751 વિકાસકામોના ઈ-ખાતમુહુર્ત તથા ઈ-લોકાર્પણ કરી કાર્યક્રમોનો શુભારંભ કરાવ્‍યો હતો. જેમાં ત્રિદિવસીય યાત્રા દરમ્યાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા 32 કામોના લોકાર્પણ-ખાતમુહુર્ત 335.88કરોડના ખર્ચે કરવામાં આવશે. ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જીલ્લામાં રૂ.1.28 કરોડના ખર્ચે તૈયાર થયેલા 107આવાસોનું લોકાર્પણ તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 28 ગામોમાં રૂ.0.46 કરોડના ખર્ચે સામુહિક શૌચાલયના ખાતમુહૂર્ત કરવામાં આવશે.

GLC દ્વારા 54 સ્વસહાય જૂથોને 38.00 લાખના રીવોલ્વીંગ ફંડ તેમજ 41 સ્વસહાય જૂથોને રૂ.28.00 લાખના કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ સહાયના ચેક વિતરણ કરાશે. પંચાયત વિભાગ હેઠળ રાજયમાં 15માં નાણાપંચ આયોજન તથા અન્ય યોજનાના અતર્ગત 302 કામોના લોકાર્પણ તથા 175 કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ ઉપરાંત જળસંપતિ વિભાગ દ્વારા 16 લોકાર્પણ અને 4 ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમજ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં 10 લોકાર્પણ કરવામાં આવશે. દરેક ગામમાં જ્યાં રથનું રોકાણ થશે ત્યાં પાણીની ગુણવતા ચકાસવાનું નિદર્શન કરવામાં આવશે.

સાથે જ કૃષિ, ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ઘાસચારા, બીજ કીટ અને સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના સહીત 47 લાભાર્થીઓને રૂ.1.15 કરોડના યોજનાકીય લાભો આપવામાં આવશે.

પશુપાલન વિભાગ દ્વારા 82 લાભાર્થીઓને રૂ.4.00 લાખની સહાય તેમજ પશુ આરોગ્ય મેળા તથા જાતીય આરોગ્ય કેમ્પ યોજાશે. વધુમાં જુદા જુદા વિષયો અંતર્ગત જનજાગૃતિ અન્વયે જિલ્લામાં 32 વેક્સિનેશન કેમ્પ, 32હેલ્થ ચેકઅપ કેમ્પ, 32 પશુચિકિત્સા કેમ્પ, 247 ખેડૂતોને સહાય વિતરણ, આત્મા દ્વારા 32 વર્કશોપ તેમજ નિદર્શન, ભવાઈ, શેરી નાટક, ડાયરા તથા રાત્રી બેઠકો યોજાશે.

આત્‍મનિર્ભર ગ્રામ યાત્રા' અંતર્ગત જિલ્લાની 75 ગ્રામ પંચાયતોમાં એક કિલોવોટના સોલર રૂફટોપ તથા 10 હેક્ટર જમીનમાં 6 હજાર 500 લીમડાનું વાવેતર પણ કરવામાં આવશે.

કાંસા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જી.આઈ.ડી.સી.ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓને પ્રતિકરૂપે ચાવી, એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત રીવોલ્વિંગ ફંડ અને કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડના ચેક તથા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે સહાયનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ મહાનુભાવો દ્વારા જિલ્લામાં ફરનારા ત્રણેય રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર સહિતના પદાધિકારીઓ-હોદ્દેદારો, જિલ્લા કલેક્ટરસુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, મદદનીશ કલેક્ટર સચીનકુમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રીટાબેન પંડ્યા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...