પાટણ શહેરમાં રહેતા ટર્બા માલિકને વિશ્વાસમાં લઇને ટર્બાની લોન ભરવાની ખાતરી અાપીને બાકીની નક્કી કરેલ રકમ રૂ.1,65 લાખ ન અાપી ઠગાઇ અાચરી ચાર શખ્સો ફરાર થઇ ગયા હતા. અા અંગે ટર્બા માલીકે પાટણ બી ડીવિઝન પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
પાટણ શહેરના તિરૂપતિ સોસાયટી ખાતે રહેતા અરવિંદભાઇ વિઠ્ઠલભાઇ પટેલે રેતી કપચીના વેપારના ધંધા માટે (જીજે 24 વી 8966) ટર્બો રાખતા હતા. તેઅોની અાર્થિક સ્થિતિ સારી ન હોય ટર્બો વેચવાની વાત તેમના મિત્ર પ્રજાપતિ શૈલેષભાઇ હરગોવનભાઇ રહે.કિમ્બુવાને કરી હતી. જેમાં ગત 7 મે નારોજ પ્રજાપતિ શૈલેષભાઇ , ગરાસીયા ચંદુલાલ પુંજાભાઇ, વોરા મુનાફભાઇ ઇસ્માઇલભાઇ, વોરા રીજવાન પાટણ તેમના ઘરે અાવ્યા હતા. તેઅોને ટર્બો પસંદ આવતા રૂ.15 લાખ વેચાણ લેખ કરવાનું નક્કી કર્યુ હતુ. તેઅોએ રૂ.દોઢ લાખ રોકડા અને રૂ.35000 ફોન પે કરીને કુલ રૂ.1,85 લાખ અાપ્યા હતા.
ટર્બાની જે લોન ચાલતી હોઇ તેના રૂ.11,50 લાખ વેચાણ લેનારને ભરવાનું નક્કી કર્યુ હતુ. વેચાણ સોદાની બાકી રહેતી રકમ 9મે ના રોજ ચુકવી દેવા વાયદો કરી ટર્બાનો કબજો લઇને પાટણથી અાણંદ ગયા હતા. અા બાબતે અવાર નવાર ઉઘરાણી કરી પણ ફોન ઉપાડતા ન હોય અેટલે અરવિંદ પટેલે ઘરે તપાસ કરતા હાજર મળ્યા નહોતા અને બાકીની રકમ કે લોન હપ્તા ન ચૂકવતા કંટાળીને ટર્બો માલીકે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે પ્રજાપતિ શૈલેષભાઇ હરગોવનભાઇ રહે.કિમ્બુવા હાલ.વડોદરા, ગરાસીયા ચંદુલાલ પુંજાભાઇ રહે.સાવલી, વોરા મુનાફભાઇ ઇસ્માઇલભાઇ રહે.અાણંદ અને વોરા રીજવાન રહે.અાણંદ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ફરિયાદ આધારે કાયદેસરની કાયવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.