બિનનિવાસી ભારતીય અને બિન નિવાસી ગુજરાતીનો મહત્વપૂર્ણ ડેટા તૈયાર કરનાર અને સમગ્ર વિશ્વની યુનિવર્સિટીઓ, નાસા અને વ્હાઇટ હાઉસ સુધીનું ધ્યાન આકર્ષિત કરનાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતેનું ડાયસ્પોરા સેન્ટર યુજીસી દ્વારા વર્ષ 2017થી બંધ કરી દેવાયું છે. સેન્ટર દ્વારા મુખ્યત્વે બિન નિવાસી ભારતીય અને બિન નિવાસી ગુજરાતી અંગે મહત્વનું સંશોધન કરાયું હતું.
ગુજરાત અને દેશના લોકો બહારના દેશોમાં ગયા તે કયા કારણથી ગયા, કયા કયા દેશોમાં અને શહેરોમાં ગયા, કયા ક્ષેત્રમાં સેટલ થયા, કેવી રીતે વતનને રિટર્ન આપી રહ્યા છે, ટેકનોલોજી, સોશિયલ, એજ્યુકેશન, રિલિજિયન, એફડીઆઈ ઇન્ડસ્ટ્રીઝ સહિત કયા ક્ષેત્રમાં વતનમાં ઈન્વેસ્ટ કરી રહ્યા છે તેનો ડેટાબેંક તૈયાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલા વાઇબ્રન્ટ સમિટમાં તેનો મહત્તમ ઉપયોગ કરાયો હતો.
ડાયસ્પોરા સેન્ટર ઇનોવેટિવ રિસર્ચ માટે યુજીસી દ્વારા મોટી યુનિવર્સિટી ખાતે જ મંજૂર કરાય છે.પરંતુ વર્ષ 2003માં તત્કાલીન ડાયસ્પોરા અધ્યક્ષ ડો. આદેશપાલ દ્વારા યુજીસીમાં કરાયેલી અસરકારક રજૂઆતના કારણે ગુજરાતમાં એકમાત્ર પાટણમાં સેન્ટર શરૂ થયું હતું.જે વર્ષ 2017થી બંધ છે. યુજીસીએ તેની માન્યતા રિન્યુ કરી નથી. આ સેન્ટર ચાલુ હતું ત્યારે યુનિ.ને યુજીસીની ગ્રાન્ટ મળતી હતી,છેલ્લે રૂ.25 લાખની ગ્રાન્ટ મળી હતી. 5 શૈક્ષણિક જગ્યા મંજૂર કરાઈ હતી. જેમાં બે લેક્ચરર, એક રીડર અને બે ટેકનિકલ આસિસ્ટન્ટનો સમાવેશ થાય છે. જોકે,આ જગ્યાઓ ભરાઈ ન હતી. સેન્ટરના કારણે યુનિ.ને નેક એક્રેડિટેશનમાં પણ ફાયદો થયો હતો. આ સેન્ટર ફરીથી શરૂ થવું જોઇએ.
નાનકડા શહેરને મોટી ઈમેજ મળી હતી, અનેક હસ્તીઓ મહેમાન બની હતી
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના વિદેશ સચિવ જે.સી.શર્મા જેઓ પ્રવાસી ભારતીય દિવસના જનક ગણાય છે તેમણે સેન્ટરનું ફોર્મેટ બનાવ્યું હતું. તેઓ પાટણમાં સ્ટુડન્ટને ભણાવી પણ ગયા છે. વિદેશ સચિવ મલય મિશ્રાએ પણ મુલાકાત લીધી હતી. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રો. વાઇસ ચાન્સેલર કપિલ કપૂર ભારત સરકારના નીતિ આયોગના સભ્ય હતા તેેઓ તેમજ ગુજરાતના એનઆરઆઈ સંગઠનના એમપી રામાનો પણ મોટો સહયોગ મળ્યો હતો. નોંધનીય છે કે, ડો.આદેશપાલ સામે અનિયમિતતાના આક્ષેપો થતાં સસ્પેન્ડ કર્યા પછી ડાયસ્પોરા સેન્ટરના રિસર્ચ અને અન્ય પ્રવૃત્તિના અપડેટ મળતાં બંધ થતાં યુજીસી દ્વારા માન્યતા સ્થગિત કરાઇ હતી. યુનિ.ના કુલસચિવ ડો.ડી.એમ. પટેલે જણાવ્યું કે, યુજીસી દ્વારા ગ્રાન્ટ બંધ થઈ ગયા પછી સેન્ટર બંધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.