સાંતલપુર તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ કરસનગઢ ગામડી (હરીપુરા) માં છેલ્લા એક માસથી પાણીની પારાયણ સર્જાઈ છે. પીવાના પાણીનું એક બેડું ભરવા મહિલાઓને ચાર કિલોમીટર સુધી રઝળપાટ કરવી પડતી હોવાની નોબત આવી છે.
સરકાર દ્વારા લોકોના ઘર સુધી પાણી મળી રહે તેના માટે નલ સે જલ યોજના અંતર્ગત કરોડો નો ખર્ચો કરી રહી છે પરંતુ આ યોજના સાંતલપુર તાલુકામાં માત્ર કાગળ ઉપર હોય તેવું દેખાઈ રહ્યું છે. ઉનાળાની શરૂઆત થતા જ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પાણીના પોકાર ઊઠવા પામ્યા છે તાલુકામાં રણની કાંધીએ આવેલ કરસનગઢ ગામડી (હરીપુરા) માં પશુ પાલનના વ્યવસાય સાથે જોડાયેલ પરિવારોને છેલ્લા એકાદ માસ થી પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ગામની મહિલાઓને પીવાનું પાણીના એક બેડા માટે ચાર કિલોમીટર દૂર આવેલ રાણીસર ગામ સુધી રઝળપાટ કરવી પડે છે. ક્યારેક ખેતરોમાં બનાવેલ બોર નુ પાણી ભરી લાવીને ગ્રામજનો પોતાની તરસ છિપાવે છે.ગામમાં રહેતા લોકોને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી ત્યારે પશુઓને જીવાડવા પાણી ક્યાંથી લાવવું તેવી મુંજવણ ગ્રામજનોને સતાવી રહી છે.
જ્યારે પાણીની સમસ્યા વેઠતા લોકો દ્વારા પાણી પુરવઠા ઓફિસમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પાણી પુરવઠા અધિકારીઓનું પેટનું પાણી પણ હલતુ નથી. જો તાત્કાલિક પાણીની સમસ્યાનું નિવારણ નહીં કરાય તો ગ્રામજનો પોતાના પશુ લઇને હિજરત કરવાની વખત આવશે તેવું લોકોએ જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.