પાટણમાં પ્રસિદ્ધ હોસ્પિટલના ડોક્ટર યોગેશ પટેલ બીએએમએસ હોવા છતાં એમડી એમબીબીએસ ડોકટર તરીકે દોઢ વર્ષથી શહેરમાં પ્રેક્ટિસ કરતા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જોકે સમગ્ર મામલો બહાર આવતાં ડોકટર ભૂગર્ભમાં ઉતરી ગયા છે. એક સમયે 24 કલાક ધમધમતી હોસ્પિટલ છેલ્લા 3 દિવસથી બંધ છે. જેના કારણે આરોગ્ય વિભાગની કાર્યવાહી અટકી છે. આરોગ્ય વિભાગે તપાસ આગળ વધારવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલ પાસે ડીગ્રીની વિગતો માગવામાં આવી છે.
આરોગ્ય વિભાગે મેડિકલ કાઉન્સિલને પત્ર લખ્યો
પાટણમાં જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં દોઢ વર્ષથી પ્રસિદ્ધ હાર્ટ એન્ડ ક્રિટિકલ કેર આઇસીયુ હોસ્પિટલ ચલાવતા ડૉ. યોગેશ પટેલની એમ.બી.બી.એસ.ની ડિગ્રી અને તેમના નામની વિસંગતતા સામે આવતા તેમની પાસે ડીગ્રી ના હોવા છતાં એમ. ડી ડૉકટર તરીકે પ્રેકટીસ કરી લોકોના સ્વાસ્થ્યને સાથે ચેડા કરી રહ્યા હોય તેવી મેડીકલ એસોસિએશન દ્વારા આરોગ્ય વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે તાલુકા હેલ્થ વિભાગની ટીમે હોસ્પિટલમાં તપાસ માટે શરૂ કરી છે. જોકે હોસ્પિટલ બંધ હોય ડૉક્ટર મળી ના આવતાં નોટિસ આપ્યા બાદ પણ આરોગ્ય વિભાગને ડોક્ટરનો કોઈ સંપર્ક થયો ન હતો. અંતે આરોગ્ય વિભાગ દ્વારા ડોક્ટર સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પત્ર લખી ડોક્ટરની ડિગ્રીની વિગતો માગવામાં આવી છે.
ડિગ્રી નહિ હોય તો ફરિયાદ કરાશે
ગુજરાત મેડિકલ કાઉન્સિલમાંથી ડિગ્રીની વિગતો આવ્યા બાદ ચકાસણી કરવામાં આવશે અને તેમાં ડૉક્ટરની એમ.બી.બી.એસ કે એમડીની ડિગ્રી ના હોય તો તેમની સામે નિયમ મુજબ કાનૂની કાર્યવાહી થાય તે માટે ફરિયાદ નોંધાવવાની તજવીજ કરવામાં આવશે તેવું ઇન્ચાર્જ કલેકટર ડીએમ સોલંકીએ જણાવ્યું હતું.
ડૉકટર સામે કાર્યવાહી કરવા માટે તપાસ સમિતિ રચાશે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.અલ્કેશે જણાવ્યું હતું કે ડોક્ટર મળી આવતો ના હોય કાર્યવાહી કરવા માટે હાલમાં તેમની ડીગ્રી કે ડોક્યુમેંટ અમારી પાસે નથી. તપાસ સમિતિની જરૂરિયાત ઊભી થતાં મુખ્ય આરોગ્ય અધિકારી સમક્ષ મંજૂરી માગવામાં આવી છે. મંજૂરી મળતાં તપાસ સમિતિ રચી મેડિકલ કાઉન્સિલમાંથી ડિગ્રી ચકાસણી બાબતે જે માહિતી આવશે તેના આધારે શું કાર્યવાહી કરવી તે તપાસ સમિતિ નિર્ણય લેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.