સિદ્ધપુરના કાકોશી ગામે ચાની કીટલી ચલાવતા પરિવારની દિવ્યાંગ પુત્રી ધો-12ની બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં શાળામાં સૌથી ઊચ્ચ પરિણામ સાથે A1 ગ્રેડ પરિણામ પ્રાપ્ત કરી દ્રઢ મનોબળ સિદ્ધિ હાંસલ કરી અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રેરણસ્રોત બની છે.
સિદ્ધપુર કાકોશી ગામે આવેલા આઈ.ડી. સેલીયા અને એમ.કે. સૈયદ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી મન્સૂરી આરજુ ઈકબાલભાઈ પ્રજ્ઞાચક્ષુ છે. જે ધોરણ 12 સામાન્ય પ્રવાહ શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે દ્રઢ મનોબળ સાથે માતાની મદદથી તૈયારીઓ શરૂ કરી હતી. તાજેતરમાં બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામા લહિયાં મારફતે પરીક્ષામાં સાથે પેપરમાં પ્રશ્નોના જવાબ મોઢે જ બોલીને લખાવ્યા હતા. જેનું શુક્રવારે પરિણામ જાહેર થયું હતું. જેમાં 700માંથી 642 ગુણ સાથે A1 ગ્રેડ મેળવ્યું છે. દીકરીની મહેનત અને માતાના સંઘર્ષના ફળસ્વરૂપ શ્રેષ્ઠ પરિણામને લઇ સમગ્ર કાકોશી વિસ્તાર સહિત શાળા પરિવાર અને શિક્ષણ વિભાગમાં આરજુ સરાહનીય બની છે.
દીકરીનું ભવિષ્ય સુધારવા માતા આંખો બની
માતા વાહિદા બેને જણાવ્યું હતું કે, મારી દીકરી અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર છે. જેથી તેનું ભવિષ્ય સારું બને તે માટે હું તેને રોજ તૈયારી કરવા માટે વાંચતી અને તે ખૂબ જ ધ્યાનથી સાંભળતી હતી. ક્યારેક તેને ના સમજાય તો એક પ્રશ્ન ત્રણથી ચાર વાર વાંચીને યાદ રખાવતી હતી. મારી દીકરી ખૂબ આગળ વધે અને તેનું જીવન સુખી બને તે મારી આશા છે.
આરજૂનું અધિકારી બનવાનું સપનું છે
દિવ્યાંગ આરજુએ જણાવ્યું હતું કે, પરીક્ષાની અંદર હું બોલતી હતી અને મારા રાઇટર મારફતે ઉત્તરવહીમાં લખાણ કરાયું હતું. વર્ગખંડમાં શિક્ષકો જે પણ અભ્યાસ કરાવતા હતા. હું ધ્યાનથી સાંભળતી હતી અને યાદ રાખતી હતી. મારા શિક્ષકોની મારી પાસે ખૂબ મહેનત અને માર્ગદર્શન તેમજ સપોર્ટ રહ્યો છે. તેમ જ મારી મમ્મી વાંચતી અને મને તૈયારી કરાવતી અને મારા પરિવારનો પણ અભ્યાસમાં ખૂબ મદદ મળતાં. આજે હું સારું પરિણામ મેળવી શકીશું. હું આગળ હજુ અભ્યાસ કરવા માગું છું અને મારા પરિવાર માટે કંઈક બની તેમને મદદરૂપ થવા માગું છું. મારું સપનું ઉચ્ચ કક્ષાના અધિકારી બનવાનું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.