વિરોધ:પેપર લીક મુદ્દે પાટણ કલેકટર ઓફિસ ખાતે જિલ્લા કોંગ્રેસના ધરણા, ધારાસભ્ય કિરીટ પટેલે સરકાર પર આક્ષેપ કર્યા

પાટણએક મહિનો પહેલા
  • વિરોધમાં સરકાર વિરોધી વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરાયા

ગુજરાતમાં સરકારના શિક્ષણ વિભાગની ઘોર બેદરકારીને કારણે તાજેતરમાં યોજાયેલી હેડકલાર્કની પેપર લીક થવાની ઘટના ચર્ચાસ્પદ બની છે. ત્યારે પેપર લીક થયેલું હોઈ તેના વિરોધમાં પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડકલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે વધુ ત્રણ ઇસમોની અટકાયત કરી છે. જેમાં પોલીસે જ્યાં પેપરનું પ્રીંટીંગ થાય છે, તેવા સૂર્યા ઓફસેટ સુધી પહોંચી ગઇ છે. જ્યાં પ્રીંટીંગ ડિપાર્ટમેન્ટમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કિશોર આચાર્યએ જ પૈસાની લાલચમાં પેપર લીક કરીને તેના કૌટુંબિક સંબંધીને રૂ.9 લાખમાં વહેંચી દીધુ હતું.

પેપર લીક થવાના કૌભાંડનો પર્દાફાશ થતા સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. જેના વિરોધમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર સહિત અન્ય કોંગ્રેસી આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સામે સરકાર વિરોધી વિવિધ બેનરો સાથે ભ્રષ્ટાચારી સરકારના સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું કે, ભાજપની ભ્રષ્ટાચારી સરકારમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક કૌભાંડો બહાર આવ્યા છે. વર્ષ 2018થી લગભગ 13 જેટલા પેપર લીક થવાના કૌભાંડોને કારણે તેમના મળતીયાઓ જ પરીક્ષામાં પાસ થાય છે. જ્યારે હોંશિયાર અને મધ્યમ વર્ગના વિધાર્થીઓ સાથે અન્યાય થઇ રહયો છે તેવો રોષ વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે પાટણ ધારાસભ્ય કિરીટ ભાઈ પટેલ, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર સહિત પાટણ શહેર-જિલ્લા અને તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...