સ્નેહમિલન સમારોહ:જિલ્લા ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ સહ પ્રભારીની અધ્યક્ષતામાં દિપાવલી સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • આગામી ચૂંટણીમાં જિલ્લાની ચારેય બેઠકો ઉપર ભાજપને વિજય અપાવવા આહવાહ્ન
  • ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં ભારત વિશ્વ ગુરૂ બનવા તરફ આગળ વધી રહ્યો છે : સુધીર ગુપ્તા

પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો દિપાવલી સ્નેહમિલન કાર્યક્રમ શનિવારના રોજ શહેરના ઉત્સવ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની ખાસ ઉપસ્થિતમાં યોજવામાં આવ્યો હતો. પાટણ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત દિપાવલી સ્નેહ મિલન કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના સહ પ્રભારી સુધીર ગુપ્તાએ નૂતનવર્ષની શુભકામના પાઠવી પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં સમય બદલાઈ રહ્યો છે. દેશ બદલાઈ રહ્યો છે, ભારત વિશ્વ ગુરૂની સાથે સાથે સોને કી ચિડીયા બનવા જઈ રહ્યો છે. ત્યારે આ ભગીરથ કાર્યને આગળ ધપાવવા તેમણે આહવાહ્ન કર્યું હતું.

આ દિપાવલી સ્નેહ મિલન સમારોહની શુભ શરૂઆત દિપ પ્રાગટ્ય સાથે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ, મોમેન્ટોથી આવકારીને કરાઈ હતી. બાદમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અને તેમણે આગામી 2022ની ચુંટણીમાં વિસ્તારની ચારે ચાર બેઠક વડાપ્રધાનના સમર્થનમાં સમર્પિત કરીએ તેવું આહવાહ્ન કર્યું હતું.

આ સ્નેહ મિલન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ, પાટણ જિલ્લા પ્રભારી જગદીશ વિશ્વકર્મા, ગોવિંદ પટેલ, નૌકા પ્રજાપતી, ભાજપના પૂર્વ પ્રમુખ મોહન પટેલ, પૂર્વ પંચાયત મંત્રી રણછોડ દેસાઈ, કુ. જયશ્રી દેસાઈ, નંદાજી ઠાકોર, કે.સી.પટેલ, બલવંત રાજપૂત, દિલીપ ઠાકોર સહિતના આગેવાનોએ પ્રસંગોચિત ઉદબોધન કરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની ચારે ચાર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવી ગુજરાત ભાજપના રાજકિય ફાઉન્ડેશનને મજબુત બનાવવાનો જયઘોષ કર્યો હતો.

પાટણ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત આ દિપાવલી સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, વિવિધ મંડળના પ્રમુખો સહિત પાટણ શહેર અને જિલ્લાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શનિવારના રોજ પાટણ શહેરમાં આયોજિત કરવામાં આવેલા દિપાવલી સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમમાં પાટણના પ્રથમ નાગરિક એવા ભાજપ શાસિત પાટણ નગરપાલિકાનાં પ્રમુખ સ્મિતા પટેલની જિલ્લા ભાજપ દ્વારા અવગણના કરવામાં આવી હોય તેમજ તેમને સ્ટેજ ઉપર તો સ્થાન ન આપ્યું પણ તેમના નામ સુધ્ધાનો ઉલ્લેખ કરવામાં નહીં આવતા ઉપસ્થિત કેટલાક ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં આ બાબત ચર્ચાનો વિષય બની ઉડીને આંખે વળગી હતી.

અન્ય સમાચારો પણ છે...