હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના 36માં સ્થાપના દિન નિમિત્તે આજ રોજ વિજ્ઞાન ભારતી (વિભા)ના વિજ્ઞાન ગુર્જરી એકમ દ્વારા વિદ્યાર્થી મિત્રો સાથે ચર્ચાનું આયોજન યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન, ઇજનેરી અને તાંત્રિકતાના સુચારુ ગઠન થકી ભારત નો સર્વાંગી વિકાસ સાધવાના હેતુસર આ વિજ્ઞાન ગુર્જરી એકમ કાર્ય કરે છે.
યુનિવર્સિટીના કુલપતિ ડો. જે. જે. વોરા, વિજ્ઞાન ભારતીના રાષ્ટ્રીય સંગઠન સચિવ જયંતજી સહસ્ત્રબુધે, વિજ્ઞાન ગુર્જરી પ્રાંતના અધ્યક્ષ ડો. ચૈતન્ય જોશી તથા વિજ્ઞાન ગુર્જરી પ્રાંતના સચિવ ડો. પ્રશાંત કુંજડિયા દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વિજ્ઞાન તથા ટેક્નોલોજીના વિકાસ વિષે ચર્ચા કરવામાં આવી હતી.
વિજ્ઞાન ગુર્જરીની સ્થાપનાથી લઇ આજ દિન સુધીની સફરગાથા સચિવ ડો. કુંજડિયા દ્વારા રજુ કરવામાં આવી હતી. પ્રાચીન ભારતમાં વિકસિત વિજ્ઞાન અને ટેક્નોલોજીને આધુનિકતા સાથે સમન્વય કરીને રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગી થવાનો હેતુ વિજ્ઞાન ગુર્જરી પ્રાંતના અધ્યક્ષ ડો. જોશીએ જણાવ્યો હતો.
વિજ્ઞાન ભારતીના રાષ્ટ્રીય સંગઠન સચિવ શ્રી માન. જયંતજી એ વિધાર્થીઓને ખુબજ પાયાના સિદ્ધાંતો સમજાવીને ભારતના ગૌરવને પાછું લાવવા માટે સંગઠિત થઈને કાર્ય કરવાનું ખુબજ સરળતાથી વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવ્યું હતું.
આજના સમય નું મૂલ્ય તથા કિંમતને સમજીને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધી શકાય તે વિષે યુનિવર્સિટીના કુલપતિએ સમજાવ્યું હતું. યુનિવર્સિટીના સ્થાપના દિન નિમિતે વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણ માટેની જવાબદારીઓની સમજ પણ તેઓએ આપી હતી.
સદર ચર્ચામાં યુનિવર્સિટી ના કારોબારી સભ્ય સ્નેહલભાઈ પટેલ તથા આસી. રજિસ્ટ્રાર (એકેડેમિક) આનંદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. લાઈફ સાયન્સ વિભાગ ના અધ્યાપક ડો. આશિષ પટેલ દ્વારા કાર્યક્રમની આભારવિધિ વ્યક્ત કરવામાં આંબી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન લાઈફ સાયન્સ વિભાગ ના અધ્યાપક ડો. હિમાંશુ બારીયા તથા ડો. જીગ્નેશ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીના સ્થાપના દિન નિમિત્તે આજે જીવદયા પ્રવૃત્તિના ભાગરૂપે વિવિધ વિભાગો આગળ પક્ષીઓ માટે કુંડા લગાવી તેમાં કર્મચારીઓ દ્વારા પાણી નાખવામાં આવ્યું.ગ્લોબલ વોર્મિંગ અને કલાયમેન્ટ ચેંજની અસરથી જીવસૃષ્ટિ પ્રભાવિત બની છે. ત્યારે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્યયુનિવર્સિટી વિવિધ પક્ષીઓ માટે સાનુકૂળતા ધરાવે છે.
યુનિવર્સિટીના કેમ્પસમાં 10 હજાર જેટલા વૃક્ષો ધરાવે છે. જેમાં વિવિધ પક્ષીઓ નો કલરવ તેની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. પરંતુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ મુંગા પક્ષીઓનો કલરવ ગુંજતો રહે તે માટે આજે યુનિવર્સીટી ના કર્મીઓ દ્વારા સ્થાપના દિન નિમિતે પક્ષીઓ માટે જળકુંભ બાંધવામાં આવ્યા હતા અને પક્ષીઓના કલરવથી સ્થાપના દિનને જોડી સેવાકીય પ્રવૃત્તિ કરાઈ હતી.
આ પ્રવૃતિમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો.જે.જે.વોરા, કારોબારી સભ્ય સનેહલભાઈ પટેલ, આસિસ્ટન્ટ રજીસ્ટાર ડૉ. આનંદભાઈ પટેલ, વિજ્ઞાન ભારતીના પદાધિકારી અને વિદ્યાર્થીઓ, કર્મચારીઓ જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.