તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરીજનો પરેશાન:પાટણમાં પદ્મનાભ મંદિર જવાના માર્ગે ગંદા પાણી ઉભરાયા, વાહનચાલકો-રહિશોને હાલાકી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ શહેરનાં નગરજનોને પાયાની સુવિધાઓ પુરી પાડવામાં પાલિકા તંત્ર વામણું પુરવાર થયું છે : શહેરીજનો
  • રોડ, રસ્તા, ગંદકી, ભૂગર્ભ ગટર, દુષિત પાણી, રખડતા ઢોરો જેવી અનેક સમસ્યાઓથી શહેરીજનો પરેશાન
  • પાલિકા સત્તાધીશો ને ફક્ત કમિશનો વાળા જ કામોમાં રસ હોવાનો ગણગણાટ
  • શહેરીજનો નો આક્રોશ ચરણ સીમાએ પહોંચે તે પહેલાં પાલિકા તંત્ર અને સતાધીશો પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બનાવે તેવી માંગ

પાટણ શહેરમાં શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ લેખાવી શકાય તેવી અનેક સમસ્યાઓનો રાફડો છેલ્લા ધણા સમયથી ઉદભવવા પામ્યો છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં અવાર નવાર ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા, ઠેર ઠેર ગંદકીની સમસ્યા,ગેર કાયદેસરનાં દબાણોની સમસ્યા, રખડતાં ઢોરોની સમસ્યા, અવાર નવાર લીકેજ બનતી પાણીની પાઈપ લાઈનોની સમસ્યા, વિવિધ વિસ્તારોમાં આવતાં દુષિત પાણીની સમસ્યા જેવી અનેક સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવામાં પાટણ નગરપાલિકાનુ નધરોળ વહીવટીતંત્ર સરેઆમ નિષ્ફળ નિવડયું છે. જેને લીધે શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ સમસ્યાનાં કારણે શહેરીજનોમાં પાલિકા પ્રત્યે રોષ પણ જોવા મળી રહ્યો છે. શહેરના પદ્મનાભ મંદિરના માર્ગ પર ગંદા પાણી ઉભરાતા વાહનચાલકો અને રહિશોને હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે.

શહેરના પદ્મનાભ સકૅલ નજીક છેલ્લા કેટલાક દિવસોથી ઉભરાતા ગંદા પાણીના કારણે આ વિસ્તારનાં માર્ગો પણ ક્ષતિગ્રસ્ત બન્યા છે. માર્ગો ઉપર ભરાઈ રહેતા ગંદાં પાણીનાં કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત વિસ્તારના લોકોની સાથે સાથે પદ્મનાભ ભગવાનનાં મંદિર પરિસરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અનેક વખત પાલિકા તંત્રનું તેમજ આ વિસ્તારના કોપોરેટરોનું ધ્યાન દોરવા છતાં આજદિન સુધી આ સમસ્યાનું નિવારણ નહીં લવાતા પાલિકાના સત્તાધીશો સહિત પાલિકા તંત્ર સામે લોકોમાં નારાજગી ઉભી થવા પામી છે.

પાટણનાં નગરજનો નિયમિત પણે પાલિકાના તમામ વેરાઓ ભરપાઈ કરતાં હોવા છતાં શહેરીજનોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં પાલિકા તંત્ર વામણું પુરવાર થયું છે. શહેરીજનોનો આક્રોશ ચરમસીમાએ પહોચે તે પહેલાં પાલિકાના સત્તાધીશો દ્વારા શહેરીજનોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...