સમસ્યા:પાટણની માહિતી કચેરી તરફના રસ્તા પર ગંદકી અને કીચડનું સામ્રાજ્ય, વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા દ્વારા ગંદા પાણી અને કાદવ કીચડની કાયમી નિકાલની કોઇ જ કામગીરી કરવામાં આવી નથી

પાટણની જિલ્લા માહિતી કચેરી તરફના રસ્તા પર કિચડનું સામ્રાજ્ય ફેલાયું હતું. આ માર્ગ પર ભરાતા ગંદા પાણીના નિકાલની અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલપંપ નજીકના વળાંક પર અને માહિતી પ્રસારણ કચેરીના મુખ્ય દરવાજા નજીક ગંદા પાણી તેમજ કાદવ કીચડની પરિસ્થિતિને લઇ અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ માત્ર રોડા- કોકરેટ અને માટીનું પુરાણ કરી કામગીરીનો દેખાવ કર્યો હતો. પરંતુ અહીંયા ભરાઈ રહેતા ગંદા પાણી અને કાદવ કીચડના કાયમી નિકાલની કોઇ જ કામગીરી કરવામાં આવી નથી. જેથી આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો સહિત માહિતી ખાતા કચેરીના અધીકારીઓ, કમૅચારીઓને તેમજ બી ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ સ્ટાફ, અર્બન હેલ્થ સેન્ટર સ્ટાફ સહિતના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

નગર પાલિકાની ચુંટણીમાં ચૂંટાયેલા પાંખના સુધરાઇ સભ્યો ચૂંટણી પૂર્વે તેમના વોર્ડ વિસ્તારોમાં મત લેવા સફાઈના નાટકો કરી તમારા વોર્ડને સ્વચ્છ અને પેવરીંગ રોડની સુવિધાઓ આપવામાં આવશે તેવા પોકળ વચનો આપ્યા હતા. પરંતુ ચૂંટાયા બાદ હવે મતદારોની આવી સમસ્યાઓ ઉકેલવા માટે વોર્ડ વિસ્તારના ચૂંટાયેલા સભ્યો પણ કઈ કાર્યવાહી કરતા નથી.

આ વિસ્તારના મતદારોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નગર પાલિકામાં આવું જ ચાલે છે વોટ લેવો હોય ત્યારે હાથ જોડે અને ચૂંટણી જીતી ગયા પછી પ્રજા કોઈ કામ કરાવવા આવે ત્યારે સુધરાઈ સભ્યો બોંયો ચડાવી ઉડાઉ જવાબ આપે છે.

છેલ્લા ત્રણેક મહિનાથી માહિતી ખાતાની ક્ચેરી તરફ જવાના માર્ગ પર સર્જાતી આ સમસ્યા હવે અહીંના સ્થાનીક વેપારીઓ સહિત ગીતાંજલિ છાપરાની સોસાયટી વિસ્તારના લોકો માટે પણ મુશકેલી ભરી જોવા મળી રહી છે. જો પાલિકા દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહી આવે તો આગામી દિવસોમાં આ વિસ્તારના રહીશો સહિતના લોકો દ્વારા પાલિકા ખાતે હલ્લાબોલ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...