દરીદ્રનારાયણની સેવામાં જ ખરી ધનતેરસ:પાટણ શેલ્ટર હોમમાં ધનતેરસે માનસિક વિકલાંગ અને ભિક્ષુકોની સેવા કરતા પાટણ નગરના શ્રેષ્ઠી

પાટણએક મહિનો પહેલા
  • રસ્તે રઝળતા માનસિક વિકલાંગ અને ભિક્ષુકોને સ્નાન કરાવી 'ધનતેરસ' ઊજવી
  • છેલ્લા 12 વર્ષથી ધનની પૂજા ન કરતાં ગરીબોની સેવા કરે છે

પાટણમાં છેલ્લા 12 વર્ષથી ધનતેરસના દિવસે શહેરમાં રખડતા, ભટકતા, પાગલ, અર્ધપાગલ તેમજ ભિક્ષુકોને વાહનમાં બેસાડીને તેમને સ્નાન કરાવી નવા કપડા પહેરાવી, મીઠાઇ ખવરાવીને સેવાભાવી શ્રેષ્ઠી ગોરધનભાઇ ઠક્કરે (બેબાશેઠ) ધનતેરસની ઉજવણી કરી હતી.

ધનપૂજા નહિ પણ દરીદ્રનારાયણમાં જ લક્ષ્મીજીનો વાસ રહેલો છે. ધનપૂજન ન કરતાં દરીદ્રોની સેવામાં મનને અનેરી શાંતિ મળતી હોવાનું ગોરધન ભાઈ (બેબાભાઈ) ઠક્કરે દિવ્યભાસ્કરને જણાવ્યુ હતું.

શહેરના અલગ અલગ વિસ્તારમાં ફૂટપાથ પર જીવન ગુજારો કરતા મંદબુધ્ધિના ભિક્ષુકો લાંબા સમયથી ન્હાયા નથી હોતા અને તેના કારણે તેમના માથા અને શરીરમાં જીવજંતુઓનો પેસારો થાય છે. આવી ગંદી હાલતમાં રહેતા તેમના શરીરમાં બદબૂ પ્રસરતી હોય છે. આવા દરીદ્રોને શહેરના રેલવે સ્ટેશન એરીયા, હાઇવે ફુટપાથ, ભઠ્ઠીવાસ, મોતીસા, કનસડા, ગુંગળી માર્કેટ સહિતના નાના મોટા વિસ્તારમાંથી શોધીને સેવાભાવી પટ્ટણી યુવાનોની ટીમ દ્વારા ધનતેરસ નિમિત્તે શહેર મધ્યે આવેલા શેલ્ટર હોમમાં લાવવામાં આવ્યા હતા.

જ્યાં બેબાભાઇના હુલામણા નામથી જાણીતા ગોરધનભાઇ ઠક્કર દ્વારા આવા બદબૂ પ્રસરતી હાલતમાં લાવેલા ભિક્ષુકોને શેમ્પુ-સાબુથી ઘસીને સ્નાન કરાવ્યુ હતું. તેમના બાલ કટીંગ-સલુન કરીને હાથ અને પગના નખ કટીંગ કર્યા હતા અને તેમને નવા કપડા પહેરાવી સજાવવામાં આવ્યા હતા. આ સાથે તેમણે તેમને ચવાણુ-દેવડા સહિત મીઠાઇ ખવડાવી હતી અને સાંજનું ભોજન કરાવવામાં બેબાભાઇ તેમજ પટ્ટણી મંડળના લક્ષ્મણભાઇ પટ્ટણી સહિતના કાર્યકરો સેવારત રહ્યા હતા.

ગોરધનભાઇ ઠક્કરે દિવ્યભાસ્કરને જણાવ્યુ હતું કે, લોકો ધનતેરસે ધનની પૂજા કરે છે, પણ છેલ્લા 12 વર્ષથી હું ધનની પૂજા કરતો નથી. દરીદ્રનારાયણમાં પ્રભુનો વાસ હોય છે એટલે આમની સેવા કરવાથી મારા મનને સંતોષ અને આનંદ મળે છે. આ ભગીરથ કાર્યમાં નગર સેવક મનોજભાઈ પટેલ, શકનભાઈ ઠકકર, સામાજીક કાર્યકર યતિનભાઈ ગાંધી, લક્ષ્મણભાઈ પટણી તેમજ પટણી યુવક મંડળના કાર્યકર્તાઓ તેમજ મેટ્રો હેર કટીંગના મહેશભાઈ લિમ્બાચીયા વગેરે સ્નેહીજનોએ કોઇપણ જાતના સ્વાર્થ વિના સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...