બેઠક:પાલિકાની સામાન્ય સભામાં 15 મિનિટમાં રૂ.15 કરોડના વિકાસ કામો મંજૂર

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદના કારણે સભા 20 મિનિટ મોડી શરૂ થઇ, મુખ્ય એજન્ડાના 12 પૈકી 7 અને વધારાના 28 પૈકી 27 કામ સામે વિપક્ષનો વિરોધ
  • પાટણના11 વિસ્તારોમાં પાણીની પાઇપ લાઈન નાખવાં, ભૂગર્ભ ગટર યોજના વાર્ષિક મરામત અને નિભાવણી માટેની એજન્સી ચાલુ રાખવા સહિતના કામ કરવા નિર્ણય

પાટણ નગરપાલિકાની સામાન્ય સભા ભારે વરસાદના કારણે થોડીક મોડી શરૂ થઈ હતી પરંતુ 20 મિનિટની ચર્ચામાં સત્તાપક્ષ દ્વારા અંદાજે રૂ.15 કરોડના વિકાસ કામો ફટાફટ મંજુર કરી દેવાયા હતા .વિપક્ષના ભરત ભાટિયા દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિરોધ દર્શાવ્યો હતો. મુખ્ય એજંડાના 12 પૈકી 7 અને વધારાના 28 પૈકી 27 કામ સામે વિરોધ રજુ કર્યાનો વિપક્ષે જણાવ્યું હતું .ભૂગર્ભ ગટરના કામો નિયમોને નેવે મૂકીને તેમજ ગેન્ટ્રી બોર્ડનું કામ નુકસાન ભોગવીને મંજુર કરાયાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો.

પાલિકાની સામાન્ય સભા સાંજે ચાર વાગે રાખવામાં આવી હતી પરંતુ તે સમયે ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાથી બહુ જ ઓછા સભ્યો આવતા 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી. સભામાં વિપક્ષના વિરોધ વચ્ચે એક પછી એક કામ મંજૂર કરી દેવામાં આવ્યા હતા અને સભાનું કામકાજ 4. 35 કલાકે આટોપાઈ ગયું હતું. ભૂગર્ભ ગટરના પંપીંગ સ્ટેશન ઉપર નવીન મશીનરી સપ્લાય કરવા માટે રિટેન્ડર કરવા ઠરાવ થયો હતો પરંતુ તાત્કાલિક ધોરણે લોકોની મુશ્કેલીઓ નિવારવા મશીનરી ખરીદીને ફીટ કરવા માટે નિર્ણય કરાયો હતો.

આ ઉપરાંત રોડ રસ્તા, નવા અને મરામતના કામો , સામગ્રી ,જુદા જુદા સ્થળે જાહેરાતના બોર્ડ, સ્ટ્રીટ લાઈટના પોલ ઉપર જાહેરાત, શહેરના 11 વિસ્તારોમાં પાણીની પાઇપ લાઈન નાખવા, ભૂગર્ભ ગટર યોજના વાર્ષિક મરામત અને નિભાવણી માટેની એજન્સી ચાલુ રાખવા, ખાનગી મકાનોની ગટર લાઈનનું સર્વે કરી અને જોડાણ કરાવવા એજન્સી નિયુક્ત કરવા, ટીપી યોજના બે ના અંતિમ ખંડના માપણી કરી આપવા માટે એજન્સી નિયુક્ત કરવા ,શહેરી વિસ્તારમાં યુરીનલ બ્લોક બનાવવા, ફિક્સ પગારથી સાત માસના કરાર આધારિત કર્મચારીઓને રૂ. 1,500 નો પગાર વધારો કરવા

સિદ્ધિ સરોવર પાસે 15 લાખ લિટરની 25 મીટર ઊંચી ટાંકી અને બે પંપ રૂપ બનાવવા, અલગ અલગ કેટેગરીના કામો નક્કી કરવા, શહેરના ઓ જી વિસ્તારમાં ડામર રસ્તા, અલગ અલગ માર્ગોનું પેચ વર્ક તેમજ માખણીયા ખાતે ભીના કચરા માટે વિન્ડો કમ્પોસ્ટ પ્લાન્ટ સ્થાપિત કરવા સહિતના નિર્ણય કરવામાં આવ્યા હતા. સભામાં પ્રમુખ સ્મિતાબેન પટેલ, ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, કારોબારી અરવિંદ પટેલ, પક્ષના નેતા દેવચંદ પટેલ, સત્તા પક્ષના મનોજ પટેલ, આશિત તન્ના, મુકેશ પટેલ તેમજ વિપક્ષના ભરત ભાટીયાએ ચર્ચામાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...