ચૂંટણી:વિકાસ રોડ રસ્તાનો નહીં,યુવાનોનો થવો જોઈએ તો જ ગુજરાત વિકસિત બનશે :યુવાવર્ગ

પાટણ9 દિવસ પહેલાલેખક: તેજસ રાવળ
  • કૉપી લિંક
  • પાટણ યુનિવર્સિટી કેમ્પસમાં ઉ.ગુ.માંથી આવતા 300 જેટલા વિદ્યાર્થીઓનો મતદાન કરવાના મુદ્દાઓ અંગે સર્વે
  • શિક્ષણ બાદ બેરોજગારીને લઈ વધુ ચિંતિત, સસ્તું શિક્ષણ અને રોજગારીની તકો ઉભી કરનાર સરકારની ઇચ્છા વ્યક્ત કરી

ઉત્તર ગુજરાતમાં ચૂંટણીના પડગામ વચ્ચે ઉમેદવારોના જોર ચોર પ્રચારમાં અનેક વચનોની લ્હાણી કરવામાં આવી રહી છે. પરંતુ સૌથી વધુ વોટ બેન્ક ગણાતો વિદ્યાર્થી વર્ગ આ ચૂંટણીમાં કયા મુદ્દાઓને લઈ મતદાન કરશે તેના સર્વે માટે દિવ્ય ભાસ્કરે ઉત્તર ગુજરાતની સૌથી મોટી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો મતદાન માટેનો મિજાજ જાણવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને રોડ રસ્તાના વિકાસના બદલે યુવાનોનો વિકાસ માટે રોજગારીને પ્રાધાન્ય આપનાર પ્રતિનિધિત્વને ચૂંટવા માટે પોતાનો કીમતી મત આપવા ઈચ્છા વ્યક્ત કરી છે.

યુનિવર્સિટીના શનિવારે કેમ્પસમાં આવેલા 19 વિભાગોમાં અભ્યાસ અને લાઇબ્રેરીમાં વાંચન અર્થે ઉતર ગુજરાતના પાંચેય જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓ માંથી પ્રથમવાર મતદાન કરનાર વિદ્યાર્થીઓને વન ટુ વન તેમજ સામૂહિક એકત્ર કરી મતદાન કયા મુદ્દા ઉપર કરશો તે બાબતે મંતવ્યો જાણ્યા હતા.જેમાં તેમને મતદાન કરવાનો ઉત્સાહ બતાવી સૌથી પહેલો જવાબ મહેનત કરી અભ્યાસ બાદ નોકરી મળવાની ચિંતા સતત રહેતી હોય રોજગારીની તકો આપે તેને મત આપવાનું મન બનાવ્યું હોવાનુ જણાવી રહ્યા છે.બીજા નંબરે સસ્તું શિક્ષણ અને આરોગ્ય, પારદર્શક ભરતી પરીક્ષાનું માળખું અને મોંઘવારી ઘટે તેવા મહત્વના મુદ્દાઓ પર કામે કરે તેવી સરકાર બને તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી.

યુવાવર્ગનો વિકાસ કરે તેવા પ્રતિનિધિને ચૂંટવા યુવાવર્ગમાં મતદાન કરવાનો ઉત્સાહ
વર્ષોથી સરકાર કોઈપણ હોય રાજ્યમાં રોડ રસ્તા અને બિલ્ડીંગો બનાવી વાહવાઈ કરે છે. પરંતુ આ સાચો વિકાસ નથી.સાચો વિકાસ નવી પેઢીના યુવાનોને રોજગારી મળે અને પરિવાર સુખીથી જીવી શકે ત્યારે જ સાચો વિકાસ થયો કહેવાય. રોજગારીને પ્રાધાન્ય આપે તેવો પ્રતિનિધિત્વને મત આપીશ.-અક્ષય પ્રજાપતિ

રાજ્યમાં સસ્તું શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ મળવી જોઈએ તે દરેક નાગરિકનો હક છે.દરેક જિલ્લામાં એક સરકારી યુનિવર્સિટી બનવી જોઈએ. જેથી સામાન્ય વર્ગનો યુવાન પણ શિક્ષણ મેળવીને સફળ બની શકે માટે શિક્ષણને વેગ આપે તેવા પ્રતિનિધિને મત આપવાનું પસંદ કરીશ.-દેસાઈ અનિલ

રાજ્યમાં લાખો યુવાનો બેરોજગાર હોય નોકરી માટે તૈયારીઓ કરી રહ્યા છે.જેથી રોજગારી તકો ઊભી કરી સમય પત્રક મુજબ પરીક્ષા પેપર ફૂટ્યા વગર પરીક્ષા લેવાય તે ખૂબ જ જરૂરી છે.જેના માટે જવાબદાર સરકાર ચૂંટાય અને આ દિશામાં કામ કરે તેવા પ્રતિનિધિને મત આપીશ..-ચૌધરી મદન

રમત ગમત ક્ષેત્રે પણ ઉજ્જવળ ભવિષ્ય હોય તેનું મહત્વ શિક્ષણમાં વધારવું જોઈએ અને ધોરણ છ થી જ રમતગમત ક્ષેત્ર બાળકો આગળ આવે તે માટે સારા શિક્ષકો મૂકી યુવાનો આગળ આવે માટે આયોજન હોવા જોઇએ.આ દિશામાં કાર્યશીલ સરકાર ચુંટવી જોઈએ.-ઠાકોર અલ્પેશ

શિક્ષણ મેળવ્યા બાદ નોકરી મળશે કે કેમ તે સતત ચિંતા રહે છે. રોજગાર મળે અને પ્રાઇવેટીકરણ બંધ થાય અને ક્વોલિટી વાળાં શિક્ષકોનું મહત્વ વધારી સરકારી શાળાઓ વધારે તે દિશામાં પ્રયત્નશીલ માણસોની જરૂર છે.તેવા પ્રતિનિધિને મત આપવો છે.-ચૌધરી વિજય

સરકારી નોકરીઓમાં અનામત દૂર થવી જોઈએ લાયકાત વાળા ને જ નોકરીની તક મળવી જોઈએ.ઉપરાંત ભરતીમાં ભષ્ટ્રાચાર બંધ થાય જેથી સૌ શિક્ષિત લોકોને તક મળશે. બિન ભષ્ટ્રાચારી પ્રતિનિધિત્વને મત આપીશ.-રાજગોર પ્રશાંત

અન્ય સમાચારો પણ છે...