પાટણ શહેરમાં ધો. 10 ની બોર્ડની પરીક્ષા પૂર્વે જ પિતાની છત્ર છાયા છીનવાઇ જતાં દુઃખના માહોલ વચ્ચે પણ પુત્ર પિતાનું એન્જિનિયર બનાવવાનું સ્વપન પૂર્ણ કરવા માટે હિંમત સાથે તૈયારી કરી સારી રીતે પરીક્ષા આપી રહ્યો હોય અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા રૂપ બન્યો છે.
પિતાનું એન્જિનિયર બનાવવાનું અંતિમ સ્વપન સાકાર કરવાનું ધ્યેય
શહેરના શ્રીનગરમાં રહેતા અને એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલમાં ધો. 10 માં ભણતા પ્રજાપતિ પૂર્ણેશના પિતા શૈલેષભાઈનું બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પૂર્વે જ બીમારીના કારણે મોત થતાં પરિવારમાં ગમગીન માહોલ છવાયો હતો. પરિવારમાં શોકમગ્ન માહોલ વચ્ચે પુત્ર પિતાનું એન્જિનિયર બનાવવાનું સ્વપન યાદ રાખી હિંમત સાથે પરીક્ષા આપી રહ્યો છે. ગુરુવારે બીજા પેપરમાં પરીક્ષા આપવા આવ્યો ત્યારે તેની મુલાકાત લેતા તેના ચહેરા ઉપર પિતાને ગુમાવવાની હતાશા હતી. પરંતુ સાથે વર્ગખંડમાં દુઃખદ વિચારને હાવી થવા દીધા વગર પોતાના પરિવારને સંભાળવાની ટેક સાથે પિતાનું એન્જિનિયર બનાવવાનું અંતિમ સ્વપન સાકાર કરવાનું ધ્યેય વધુ છલકાતું હતું.
હિંમત સાથે તમે કોઈપણ મુશ્કેલ સમયનો સામનો કરી શકો
વિદ્યાર્થી પૂર્ણેશ જણાવ્યું કે મારા પિતાનું અવસાન થયું મારો એક નાનો ભાઈ છે. ધો. 3 માં ભણ્યા છે. મારી મમ્મી અને મારા ભાઈને હવે મારે સાચવવાના છે.સાથે મારા પિતાનું મને એન્જિનિયર બનાવવાનું સ્વપ્ન હતું. એ પણ પૂર્ણ કરવાનું છે. જેથી મારા ઘરે પપ્પાનું બેસણું હતું એટલે મારા વાંચવામાં વિક્ષેપ ના થાય માટે મારા માસી ના ઘરે જઈને હું તૈયારી કરતો હતો. હું તમામ વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માગું છું કે દુઃખની ઘડીમાં હિંમત હારવી જોઈએ નહીં. હિંમત સાથે તમે કોઈપણ મુશ્કેલ સમયનો સામનો કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.