પાટણ શહેરમાં ટેલીફોન એક્સ્ચેન્જથી લીલીવાડી તરફ જતા રોડ બિસ્માર હાલતથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજી તરફ શહેરના અલગ અલગ વિસ્તારોના રોડના કામો હજુ સુધી ટેન્ડરિંગની પ્રવિધિમાં હોઈ કામ શરૂ કરી શકાયા નથી ત્યારે આગામી 15 જૂનથી ચોમાસુ શરૂ થશે ત્યાં સુધી કેટલા કામો થઇ શકશે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે.
હાઇવેના લીલીવાડીથી ટેલિફોન એક્સચેન્જ રોડની 5-7 વર્ષથી ખરાબ હાલત છે. વરસાદી પાણી કર્મભૂમિ વિસ્તારમાં ભરાઈ રહે છે.ગયા ચોમાસામાં વાહનો બંધ થઈ જતા બાળકો શાળાએ જઈ શકતા ન હતા. આ રોડ એકદમ ખરબચડો મગરની પીઠ જેવો બન્યો છે. એક્સ્ચેન્જથી કર્મભૂમિ શીશ બંગ્લોઝ યસ બંગ્લોઝ સુધી ડામર રોડની મંજૂરી મળી ગયેલ હોવા છતા કામ શરૂ કેમ થયું નથી તેવો સવાલ વિસ્તારના રહીશ જયંતીભાઈ ઠક્કર સહિતે વ્યક્ત કર્યો હતો.
પાલિકા બાંધકામ શાખાના ચેરમેન પટેલ શાંતીબેન ગીરીશભાઈએ જણાવ્યું કે અગાઉ કેટલાક કામો મંજૂર થયા હતા પરંતુ કોન્ટ્રાક્ટરોની એસઓઆરના મુદ્દે ચાલતી હડતાળના કારણે શરૂ થઈ શક્યા ન હતા. સોમવારે નવા નક્કી થયેલા કામોની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.
કામો ચૂંટણી પછી થાય તેવી શક્યતા નકારી શકાતી નથી: અપક્ષ સદસ્ય
નગરપાલિકાના અપક્ષ સદસ્ય ડો. નરેશ દવેએ જણાવ્યું કે પાલિકાના સત્તાધીશો વખતોવખત ગાંધીનગર જઈ આવ્યા પણ રોડ રસ્તાના કામો શરૂ થયા નથી. આગામી 15 જૂનથી ચોમાસું શરૂ થઈ જશે તે પછી સિમેન્ટ કપચીના પ્લાન્ટ પણ બંધ થઈ જશે. ચોમાસામાં રસ્તાના કામો થતાં નથી. હવે આજથી 60 દિવસ રહ્યા છે, આ દિવસોમાં ટ્વેન્ટી-ટ્વેન્ટીની જેમ કામ ચલાવવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.તે જોતા કેટલાય કામો ચૂંટણી પછી થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
ચોમાસું પહેલાં 25 પેવર રોડના કામો પૂરા કરી દેવાશે: ઉપપ્રમુખ
નગર પાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું કે કોન્ટ્રાક્ટરોની હડતાલ પૂરી થઈ જતા બધાજ ટેન્ડરો ખુલી ગયા છે. એજન્સીઓ ડિપોઝિટ જમા કરાવશે એટલે વર્ક ઓર્ડર અપાશે.આગામી એક મહિનામાં રૂપિયા ૮ થી ૧૦ કરોડના કામો શરૂ થઈ જશે. પેવર રોડના ૨૫ જેટલા કામો ચોમાસામાં પ્લાન્ટ બંધ થાય તે પહેલા પુરા થઇ જાય તેવા પ્રયાસ રહેશે.કર્મભૂમિ રોડની કામગીરી આ અઠવાડિયામાં શરૂ થઈ જશે.મહોલ્લો પોળોમાં બ્લોક પેવિગ જેવા કામ હાલ ચાલી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.