સિદ્ધપુર ખાતે આવેલ ચેકડેમોમાં ડિસીલ્ટીંગ કરવા બાબતે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા વારંવાર ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે સરસ્વતી નદીમાં માધુપાવડી પાસે ચેકડેમોના ડિસીલ્ટીંગ કામ હાથ ધરાયું છે. સિદ્ધપુર શહેર પાસે સરસ્વતી નદી પસાર થાય છે. આ નદીમાં મધુપાવડી પાસે નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા બે ચેકડેમ બનાવવામાં આવેલા છે. આ ચેકડેમ વર્ષ 2007માં બનાવવામાં આવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કરી તેમાં પાણી ભરવાનું ચાલુ કરાયું હતું.
આ બનાવેલા ચેકડેમ રેતીથી ભરાઈ ગયા છે અને અત્યારસુધીમાં તેનું ડિસીલ્ટીંગ કરવામાં આવ્યું નથી. આથી ઘણીવાર ચોમાસામાં નદીમાં પૂર આવવાથી નદી ઉભરાઈ જાય છે અને નદીના કાંઠાનું ધોવાણ થઈને નદી કાંઠાના શહેરને અસર થાય છે અને નુકશાન થાય છે. આ બાબતે અગાઉ પણ ઉપરોક્ત ખાતામાં રજૂઆત કરવામાં આવી હતી. તેના અનુસંધાને મુખ્ય ઇજનેર અને અધિક સચિવ (ઉ.ગુ.) નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગરના આદેશથી આ ચેકડેમોનું ડિસીલ્ટીંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
જેથી આ કામગીરી શરૂ થવાથી સિદ્ધપુર શહેર કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ ઠાકોર, શહેર પ્રભારી બિપીનભાઈ દવે, નગરપાલિકા સદસ્ય હુસેનભાઇ કવાલ, ભુરાભાઈ પઠાણ, તેમજ રૂદ્રેશકુમાર, રશિદભાઈ કુરેશી, હિરેનભાઈ ઠાકર સહિત કોંગ્રેસના આગેવાનોએ સ્થળ મુલાકાત કરી ધારાસભ્ય ચંદનજી ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.