ડેન્ગ્યુ - ચિકનગુનિયાનો ત્રાસ:પાટણમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયાથી લોકો પરેશાન, નગરપાલિકા અને આરોગ્ય તંત્ર પાસે ફોગીંગ વધારવાની લોકમાંગ

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી શહેરીજનોની માંગણી
  • યશ બંગલોઝ, કર્મભૂમિ સહિત વિવિધ સોસાયટીઓમાં બિમારીનો ત્રાસ

પાટણ શહેરમાં લાંબા સમયથી જોવા મળી રહેલી ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવી ગંભીર બિમારી સામે લોકોને સુરક્ષા મળે તે માટે પાટણ નગરપાલિકા અને આરોગ્ય તંત્ર દરરોજ ફોગીંગ મશીન દ્વારા તેમજ દવા છંટકાવ કરીને મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા પગલાં ભરે તેવી વ્યાપક લોકમાંગ પ્રવર્તી રહી છે.

પાટણમાં ચિકનગુનિયાના કેસો વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા હોવાનું અને લોકો તેનાથી હેરાન પરેશાન થઈ રહ્યા હોવાની ચર્ચાઓ લોકમુખે જોવા મળી હતી. શહેરમાં નાના બાળકો પણ ચિકનગુનિયા અને ડેન્ગ્યુમાં સપડાઈ રહ્યા છે. પાટણમાં યશ બંગલોઝ, કર્મભૂમિ સહિત વિવિધ વિસ્તારમાં-સોસાયટીઓમાં આ બિમારી લાંબા સમયથી દેખા દઈ રહી છે અને દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે પાટણ પાલિકા તંત્ર નિષફળ પુરવાર થઇ રહ્યું હોવાની ચર્ચાઓ જોવા મળી હતી. એકતરફ કોરોના ધીમા પગલે પ્રવેશ કરશે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે, ત્યારે તંત્ર ઝડપથી ડેન્ગ્યુ-ચિકનગુનિયાને કાબુમાં લે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

આ બિમારીથી લોકોના શરીરના અંગ જકડાઈ જવા, તાવ આવવો, પગના ગુડા પકડાઈ જવા, ઉભા થવા કે બેસવામાં ભારે મુશ્કેલી અનુભવવી અને હાથ પગ જકડાઈ જવા જેવી તકલીફો ઉભી થાય છે. લોકો પરેશાન થઈ રહ્યા હોઈ જવાબદાર તંત્ર દ્વારા શહેરમાં બરાબર સર્વેક્ષણ કરી રોજ દવા-છંટકાવ અને ફોગીંગ મશીનનો ઉપયોગ કરી મચ્છરોનો નાશ કરવો તેમજ સફાઈ બાબતે યોગ્ય પગલાં ભરવા તંત્ર જાગૃત બની કાર્યવાહી હાથ ધરે તેવી શહેરના જાગૃત નાગરિક જયેશભાઇ પટેલ સહિત વિસ્તારના રહીશોએ માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...