શિક્ષકોનો વિરોધ યથાવત:જૂની પેન્શન યોજના તથા પડતર પ્રશ્નો અંગે 6ઠ્ઠી મેના રોજ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાનાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરશે

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બપોરે 3થી 6 દરમિયાન સમગ્ર ગુજરાતના 50 હજારથી વધુ શિક્ષક કર્મચારીઓ જોડાશે

આગામી 6ઠ્ઠી મેના રોજ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે બપોરે 3થી 6 સમગ્ર ગુજરાતના શિક્ષક કર્મચારીઓ સંયુક્ત રીતે 50 હજારથી વધુની સંખ્યામાં ધરણા કરશે એમ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સંયોજક અને પાટણના ભીખાભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા, નગર તથા મહાનગરપાલિકાના શિક્ષકો માટે 4200 ગ્રેડ પે, HTAT ઓ.પી. થયેલા મુખ્ય શિક્ષકોના પ્રશ્ન,સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય સંવર્ગના પાંચ વર્ષની સળંગ નોકરી ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બદલીનો લાભ આપવા, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પગાર પંચના બાકી ત્રણ હપ્તા, કેન્દ્રના ધોરણે જાન્યુઆરી 2022થી ત્રણ ટકા મોંધવારી તથા કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચ મુજબ ઘરભાડુ, અન્ય ભથ્થા જાહેર કરવા આ ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ધરણા કાર્યક્રમમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચામાં જોડાયેલા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય સંવર્ગ, ઉચ્ચ શિક્ષા સંવર્ગ (અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) ભારતીય મજદૂર સંઘ ગુજરાત, જી.ઈ.બી ઍમ્પ્લોયર્સ વેલફેર એસોસિએશન ગુજરાત, સ્ટેટ ટ્રાવેલ્સ ગુજરાત (ભારતીય મજદૂર સંઘ), ગુજરાત રાજ્ય સિનિયર સિટીઝન્સ એન્ડ પૅન્શનર્સ એસોસિએશન (ભારતીય મજદૂર સંઘ) તથા અન્ય સંગઠનો જોડાશે.

આ અગાઉ 8મી એપ્રિલના રોજ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા મથકે રેલી, ધરણા તથા આવેદનપત્ર આપવાનો પ્રથમ તબક્કાનો આંદોલનાત્મક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી એક લાખથી વધુ શિક્ષક કર્મચારીઓ જોડાયા હતા. મુખ્યમંત્રીને સંબોધીને લખેલ પત્રમાં 1લી મે ગુજરાત સ્થાપના દિવસે કર્મચારી હિતમાં નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા વિનંતી કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ અંગે યોગ્ય પ્રતિસાદ ન મળતાં આ ધરણા યોજાશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

રાષ્ટ્રીય સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા આયોજિત છઠ્ઠી મેના રોજ યોજાનારા ધરણાંને સફળ બનાવવા પ્રાંત સંગઠન, જિલ્લા એકમ, તાલુકા એકમ, મંડળ એકમ તથા જૂથ શાળાઓ સુધી ઑનલાઇન ઑફલાઇન બેઠકો કરી સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અન્વયે મોટી સંખ્યામાં શિક્ષક કર્મચારીઓ આ ધરણામાં જોડાશે. લાંબા સમયથી કરવામાં આવેલ આ માંગણીઓ ન સ્વીકારાતાં કર્મચારીઓના પરિવારમાં પણ આક્રોશની લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...