રજૂઆત:પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી પાટણના ઉમેદવારોની માંગ

પાટણ7 મહિનો પહેલા
  • બેરોજગાર યુવાનોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપ્યું

રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા વિધવા સહાયક ભરતીની જગ્યાઓમાં વધારો કરવામાં આવે તેમજ પ્રવાસી શિક્ષકોની ભરતીથી બેરોજગાર શિક્ષિત શિક્ષકોનું થતું શોષણ અટકાવવા જેવી માંગોને લઇ આજે પાટણ જિલ્લાના શિક્ષક બનવાની લાયકાત ધરાવતા બેરોજગાર શિક્ષિત યુવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધો.1થી 8માં માત્ર 3300 વિધા સહાયકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ટાટ પાસ શિક્ષક ઉમેદવાર બનવાની લાયકાત ધરાવતા શિક્ષિત બેરોજગારો સામે અન્યાય થતો હોઇ આજે વિધાસહાયકની ભરતીની જગ્યામાં વધારો કરવા રાજ્ય વ્યાપી આવેદનપત્રો આપવાના કાર્યક્રમો યોજાયા હતા. જે અનુસંધાને પાટણ જિલ્લાના શિક્ષિત બેરોજગાર ઉમેદવારોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે વિધાસહાયકોની ભરતીમાં વધારો કરો, પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ કરો જેવા સૂત્રોચ્ચાર પોકારી પોતાના અવાજને બુલંદ કર્યો હતો.

હાલમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 18 હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જેમાં આરટીઇના એકટ મુજબ ખાલી જગ્યાની 60 ટકા જગ્યાઓ પર સીધી ભરતી કરવાનો ઠરાવ છે. તો તેની સામે 3300 જગ્યાઓ કુલ જગ્યાઓની માત્ર 20 ટકા જ જગ્યાઓ છે જેથી શિક્ષક બનવાની લાયકાત ધરાવતા ઉમેદવારો સાથે અન્યાય થઇ રહ્યો છે.

આ ઉપરાંત પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોએ માંગ કરી છે. આગામી સમયમાં ચાલુ ભરતીમાં વિધા સહાયકોની ભરતીમાં વધારો કરી ન્યાય આપવામાં નહી આવે તો શિક્ષિક બેરોજગારો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...