રજૂઆત:આયુષ્માન કાર્ડ કાઢવા ગ્રામ પંચાયતોમાં વીસીઈને લોગઈન આઈડી આપવા માંગ

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 70 ટકા ગ્રામ પંચાયતોને લોગઈન આઈડી ન અપાયાના આક્ષેપ
  • જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાએ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને રજૂઆત કરી

પાટણ જિલ્લામાં કેટલીક ઇ ગ્રામ પંચાયતોના વીસીઇને આરોગ્ય વિભાગ દ્વારા લાભાર્થીઓના આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ કાઢવા માટે હજુ સુધી લોગઇન આઈડી આપવામાં આવ્યા ન હોવાથી લાભાર્થીઓને કાર્ડ કઢાવવા માટે સરકારી હોસ્પિટલોમાં ધકકા ખાવા પડી રહ્યા છે. ગામડાના લોકોને ગામમાં જ આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટે જિલ્લાની બાકી રહેલી ગ્રામ પંચાયતોમાં વીસીઈને લોગઈન આઈડી આપવા માંગ ઉઠી છે.

મર્યાદિત આવક ધરાવતા પરિવારોને આરોગ્યની મફત સારવાર મળે તે માટે સરકાર દ્વારા આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકી છે. પરંતુ તેના કાર્ડ કઢાવવા માટે લાભાર્થીઓને રઝળપાટ કરવો પડતો હોવાની બૂમરાડ ઊઠી છે. ત્યારે પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે આ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રજૂઆત કરી છે કે પાટણ જિલ્લાની અમુક ગ્રામ પંચાયતોને લોગ ઇન આઈડી આપવામાં આવ્યા છે. મોટાભાગની ગ્રામ પંચાયતના વીસીઇને લોગઇન આઈડી આપવામાં આવ્યા નથી જેના કારણે લાભાર્થીઓ આયુષ્માન ભારત યોજના વંચિત રહે છે. ત્યારે ઝડપથી વીસીઇને લોગીન આઈડી આપવામાં આવે તે જરૂરી છે.

70 ટકા ગ્રામ પંચાયતોમાં લોગઈન-આઈડી નથી અપાયા
આ અંગે જીલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે જણાવ્યું હતું કે પાટણ જિલ્લાની 70 ટકા જેટલી ગ્રામ પંચાયતના વીસીઇને આરોગ્ય વિભાગ દ્વારા લોગીન આઈડી આપવામાં આવ્યા નથી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને આયુષ્માન કાર્ડ કઢાવવા માટે સરકારી હોસ્પિટલમાં જવું પડે છે. જેના કારણે ઘણા લોકો આ યોજનાથી વંચિત રહે છે.

અન્ય સમાચારો પણ છે...