લોકોને હેરાન ગતિ:પાટણમાં યુનિવર્સિટી રેલવે ફાટક ઓવરબ્રિજ માટે ગટર,પાણી, ગેસ લાઈન નહીં ખસેડાતાં કામગીરીમાં વિલંબ

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં યુનિવર્સિટી રોડ પર વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે - Divya Bhaskar
પાટણમાં યુનિવર્સિટી રોડ પર વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે
  • કામગીરી ઝડપી થાય તે માટે કલેકટર દ્વારા મીટીંગ કર્યા પછી પણ કામ શરૂ થયું નથી
  • એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવાયો છતાં દોઢથી સ્થળ પર કામગીરી શરૂ થઈ નથી

પાટણ શહેરમાં યુનિવર્સિટી રેલવે ફાટક ઉપર મંજૂર થયેલ ઓવરબ્રિજની કામગીરી ઝડપી થાય તે માટે કલેકટર દ્વારા મીટીંગ કરવામાં આવ્યા પછી પણ પસાર થતી ભૂગર્ભ ગટર, પાણી,ગેસ, ટેલીફોન તેમજ અન્ય યુટીલીટી લાઈનો નડતરરૂપ હોવાથી ખસેડવાની કામગીરી શરૂ થયેલ નથી જેને લઇ મંજૂરીના એક દોઢ વર્ષ પછી પણ સ્થળ ઉપર કોઇ કામગીરી થઇ શકી નથી અને અગત્યનો ઓવરબ્રિજ વિલંબમાં પડી રહ્યો છે.

પાટણ ખાતે યુનિવર્સિટી રોડ ઉપર કલેક્ટર કચેરી,જિલ્લા પંચાયત, વન વિભાગ, ગ્રામ વિકાસ એજન્સી, નર્મદા વિભાગ કચેરી, સર્કિટ હાઉસ, ટીબી હોસ્પિટલ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વગેરે આવેલા હોવાથી તેમજ ટીબી ત્રણ રસ્તાના સોસાયટી વિસ્તાર તેમજ ડીસા તરફ જવા માટે સીધો રસ્તો હોવાથી દરરોજ હજારો વાહનોનો ટ્રાફિક રહે છે ત્યારે પાટણ-ભીલડી બ્રોડગેજ રેલવે લાઈન શરૂ થયા પછી રેલવે વ્યવહાર શરૂ થઇ જતા વારંવાર ફાટક બંધ થતા લોકોને હેરાન ગતિ થઈ રહી છે.

આ પરિસ્થિતિને ધ્યાને રાખીને નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ફાટક મુક્ત યોજના અંતર્ગત આ બ્રિજ બીજીવાર દરખાસ્ત કરીને રાજકીય દબાણ લાવીને મંજૂર કરાવ્યો હતો તેમજ રાજ્ય સરકાર દ્વારા મહેસાણાની એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવેલો છે પરંતુ તેના દોઢ વર્ષ પછી પણ સ્થળ ઉપર કામગીરી શરૂ થઈ નથી.

અત્રે નોંધનીય છે કે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરતાં પહેલાં તે સ્થળેથી પસાર થતી ભૂગર્ભ ગટર, પાણી,ગેસ, ટેલીફોન તેમજ અન્ય યુટીલીટી લાઈનો નડતરરૂપ હોવાથી ખસેડવાની જરૂરિયાત ઉભી થઈ હતી.

મંજૂરી પછી મટીરીયલના ભાવો ઉચકાતા અસર
પરંતુ ઓવરબ્રિજ મંજૂર થયા પછી મટિરિયલના ભાવો ઊંચા જતા જૂના ભાવે કામગીરી પરવડે તેમ ન હોવાની રજૂઆત એજન્સી દ્વારા સરકારના શહેરી વિકાસ વિભાગમાં કરવામાં આવી હતી જેને લીધે કામ આગળ વધતું ન હોવાથી જિલ્લા કલેકટર દ્વારા બેઠક કરવામાં આવી હતી.

યુટીલિટી કામગીરી અંગે એકબીજા પર ખો
નગરપાલિકાનાં બાંધકામ શાખાના ચેરમેન શાંતીબેન ગિરીશભાઈ પટેલ જણાવ્યા મુજબ યુટીલીટી શિફ્ટિંગ કરવાની હોવાથી તેની પ્રવિધિ ચાલી રહી છે જે કામગીરી નગરપાલિકાના હસ્તક નથી. માર્ગ-મકાન વિભાગ દ્વારા આ કામગીરી થઇ રહી છે. જોકે,માર્ગ મકાન ઈજનેર દિલીપસિંહ રાઠોડે આ કામ નગરપાલિકાએ કરવાનું છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...