હારિજના ખાતર કૌભાંડમાં પોલીસે ડીસાના ધરતી એગ્રોના ડીલર ભરત માળીની ધરપકડ કરી છે. જેમાં તેણે ખેડૂતો માટેના ખાતરના જથ્થાનો કાળા બજાર કર્યો હોવાનો પર્દાફાશ થયો છે. કૌભાંડમાં 5 ટ્રક ખાતરનો જથ્થો કાળા બજારથી વેચાણ કર્યો હોવાનો ખુલાસો થયો છે.
ત્રણ દિવસ પહેલા એસઓજી પોલીસની ટીમે હારીજના જલિયાણ-2 ના ગોડાઉન નં 10 અને 11 માંથી ગેરકાયદેસર યુરિયા ખાતરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુજરાત સરકારના સબસીડાઈઝ યુરિયા ખાતરના જથ્થાને ઔદ્યોગિક મીઠું લખેલી થેલીઓમાં ભરી ગેરકાયદેસર રીતે વેપાર કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલામાં પોલીસે રાજસ્થાનના બે ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં ખાતરનો જથ્થો ડીસાના ગોડાઉનમાંથી લાવવામાં આવ્યો હોવાનો કબુલાત કરી હતી. જેના આધારે પોલીસે ડીસા ખાતે તપાસ કરી ડીસા પાસે આવેલા આખોલ ચાર રસ્તા પર આવેલી ધરતી એગ્રોના ડીલર અને આખોલના વતની ભરતભાઈ પ્રતાપભાઈ માળીની ધરપકડ કરી છે. ત્યાં તેનું ગોડાઉન પણ આવેલું છે.
પોલીસે ભરત માળીની પ્રાથમિક પૂછપરછ કરતા ફેક્ટરીમાંથી ખેડૂતોને વેચાણ કરવા માટે લાવેલા યુરિયા ખાતરનો જથ્થો હારિજના જલિયાણ-2 ગોડાઉન નં10 અને 11 ના કબજેદાર ડીસાના બીપીન પરમારને 5 ટ્રકમાં આશરે 1750 જેટલી ખાતર થેલીઓ કાળા બજારથી બારોબાર વેચાણ કરી હતી. એક થેલીએ તેણે રૂ.10 વધારે લીધા હતા. હવે પોલીસે બીપીન પરમારની શોધખોળ શરૂ કરી છે તે પકડાયા બાદ આ ખાતરનો જથ્થો મીઠાની થેલીઓમાં ભરી ક્યાં લઈ જતો હતો અને કોને આપતો હતો તેનો ખુલાસો થશે તેવું એસઓજી પીએસઆઇ વી.આર ચૌધરીએ જણાવ્યું હતું.
ગેરકાયદેસર રીતે ડીસાથી ખાતરનો જથ્થો હારીજ ગોડાઉનમાં ઉતાર્યો હતો
હારિજથી વાઘેલ જતા રોડ ઉપર આવેલ જલીયાણ 02ના ગોડાઉન નંબર 10 અને 11માં પોલીસે રવિવારે રેડ કરી ખાતરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો સરકાર માન્ય કંપની દ્વારા સબસીડાઈઝ યુરિયા ખાતર બનાવ્યા પછી સરકાર દ્વારા એગ્રીકલ્ચર ડીલરોને અપાય છે તે યુરિયા ખાતરનો જથ્થો એગ્રીકલ્ચર ડીલરો ખેડૂતોને આધાર ઓથેન્ટિકેશન થી પી.ઓ.એસ મશીન દ્વારા જરૂરિયાત મુજબના મર્યાદિત જથ્થામાં આપવાને બદલે ગેરકાયદેસર રીતે ડીસાથી હારિજ સુધી લાવી તે ખાતરના જથ્થાને ઔધોગિક મીઠું લખેલી થેલીઓમાં ભરી ઔદ્યોગિક મીઠાના ઓથા હેઠળ ગેરકાયદેસર વેપાર કરવાના આશયથી ચાલતી અનઅધિકૃત પ્રવૃત્તિ પકડી પાડી હતી. સ્થળ પરથી પોલીસે રૂ 4.79 લાખનો ખાતરનો જથ્થો અને 2352 ખાલી કટ્ટા તેમજ બે ટ્રક પોલીસે જપ્ત કરી હતી. અને બંને ટ્રકના બે ડ્રાઇવર રાજસ્થાન બાડમેરના જુસબખાન મુરાદઅલિ અને રાજસ્થાન ઝાલોર ના લાડુખાન જમાલખાન શેખની ધરપકડ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.