નિર્ણય:ટીપી સ્કીમ 2ના પ્લોટની માપણી કરી સ્થળ પર કબજો આપવા નિર્ણય

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ નગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખાની બેઠકમાં પ્લોટની માપણી માટે એજન્સી નિયુક્ત કરવા નિર્ણય લેવાયો

પાટણ નગરપાલિકા ટાઉન પ્લાનિંગ શાખા ની બેઠક બુધવારે મળી હતી જેમાં ટીપી સ્કીમ 2ના પ્લોટની માપણી કરવા એજન્સી નિયુક્ત કરવા તેમજ શક્ય હોય તેને સ્થળ ઉપર કબજા આપવા માટે નિર્ણય કર્યો હતો.જ્યારે સુભાષચોક રોડ ઉપર ખાનગી બાંધકામમાં વેપારીને આખરી નોટિસ આપવા નક્કી કર્યું હતું.

પાલિકા સભાખંડ ખાતે ટાઉન પ્લાનિંગ શાખાના ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સમિતિની બેઠક મળી હતી જેમાં સભ્યો મનોજભાઈ કે પટેલ, દીક્ષિત પટેલ, જયેશભાઈ પટેલ, પ્રવિણાબેન પ્રજાપતિ, આશિત તન્ના, ચીફ ઓફિસર પંકજ બારોટ અને નગર નિયોજક વિનોદભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમા ચર્ચા થયા મુજબ સરકારનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગર રચના યોજના નં .૨ ( સમાલપાટી ) તા .૨૩ ડિસેમ્બરના રોજ મંજૂર કરાઈ છે ,જેમાં યોજના વિસ્તારમાં સમાવિષ્ટ પ્લોટના કબજા ખાનગી માલિકોને આપવાનાં થાય છે અને અમુક કબજા ખાનગી માલિકો પાસેથી લેવાનાં થાય છે જેથી અંતિમખંડોની ફરીથી માપણી કરાવ્યા બાદ કબજાની લેવડ–દેવડની કાર્યવાહી હાથ ધરી શકાય તે માટે ટેન્ડર પ્રક્રિયા કરી નવેસરથી એજન્સી નિયુક્ત કરવા નિર્ણય લેવાયો હતો.

3 વર્ષ અગાઉ માપણી કરી હતી
ચેરમેન શૈલેષ પટેલે જણાવ્યું કે યોજનામાં 449 ખંડ એટલે કે પ્લોટ ફાળવવાના થાય છે. ત્રણ વર્ષ અગાઉ માપણી કરી હતી તેમાં મારવામાં આવેલ ખુંટ હાલ અસ્તિત્વમાં નથી ત્યારે હવે નવેસરથી માપણી કરાશે અને સ્થળ ઉપરના પ્લોટના માલિક સંમત હશે તો તરત જ કબજો સુપરત કરાશે. જ્યારે સુભાષ ચોક રોડ પર ખાનગી વેપારી દ્વારા પરવાનગી વિરુદ્ધનું બાંધકામ કરાયાની અરજીમાં તાકીદના ધોરણે આખરી નોટિસ આપવા સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...