• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Decision To Complete The Ongoing Departmental Inquiry Against The Chancellor Of Hemchandracharya University Within One Month

કરોબારી કમિટીની બેઠક:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ સામે ચાલી રહેલી ખાતાકીય તપાસ એક માસમાં પૂર્ણ કરવા નિર્ણય

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કારોબારી કમિટીની બેઠક મળી હતી. જેમાં કથિત એમબીબીએસ રીએસેસમેન્ટ અંગે ચાલી રહેલી ખાતાકીય તપાસ એક માસમાં પૂર્ણ કરવા અને વિદ્યાર્થીઓની પરીક્ષા ના લેવામાં આવે તેવો કરવામાં આવેલો નિર્ણય યથાવત રાખવો તેમજ યુનિવર્સિટીના રોજમદાર કર્મચારીઓના તથા વધારાનો નિર્ણય કારોબારી કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના બે કર્મચારીઓનો પ્રોબેશનલ સમય મર્યાદા પૂર્ણ થતા કાયમી કરવામાં આવ્યાં હતા.
ત્રણેય છાત્રોની પરીક્ષા નહી લેવાનો નિર્ણય યથાવત રખાયો
યુનિવર્સિટીમાં બુધવારે કુલપતિની અધ્યક્ષતામાં કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં એમબીબીએસ કૌભાંડમાં સંડવાયેલા 3 વિદ્યાર્થીઓની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા સ્થગિત કરવામાં આવેલ હોય તેમની પરીક્ષાઓ લેવામાં આવે તે મામલે તેઓ કોર્ટમાં પિટિશન દાખલ કરેલ હોય જે અંગે નિર્ણય લેવા માટે કોર્ટ દ્વારા યુનિવર્સિટીને હુકમ કરતા જે અનુસંધાને કારોબારી બેઠકમાં ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં કૌભાંડ મામલે તપાસ ચાલી રહેલી હોય ત્રણેય વિદ્યાર્થીઓની પરીક્ષા ના લેવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે. ઉપરાંત ચાલી રહેલ ખાતાકિય તપાસ એક માસમાં પૂર્ણ કરી અને આ અંગે નિર્ણય લેવા માટે કારોબારીએ નક્કી કર્યું હતું.
બે કર્મીઓને કાયમી કરાયા
​​​​​​​યુનિવર્સિટીના રોજમદારોને વધારવામાં આવેલા પગાર રૂપી ભથ્થાં વધારો દિવાળી પૂર્વે એડવાન્સ પગારમાં ચૂકવવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. શારીરિક નિયામક ડૉ. ચિરાગ પટેલ અને આર્કિટેક વિભાગના વડા મીરાબેન ચેતવાણી બંનેને પ્રોબેશનલ સમયગાળો પૂર્ણ થતા કાયમી કરવામાં આવ્યા હતા. તેવું યુનિવર્સિટીના રજીસ્ટર ડૉ. રોહિત દેસાઈએ જણાવ્યું હતું.

શંકાસ્પદ 7 લોકોના નિવેદન લેવાયા,70 ટકા તપાસ પૂર્ણ હવે ફ્કત કોર્સ વેરિફિકેશન બાકી : ડૉ.ખેર
કુલપતિ સામે ખાતાકીય તપાસ કરતા ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ.એચ.એન.ખેરે જણાવ્યું કે તપાસ માટે 3 સેશન થઈ ગયા છે. વિદ્યાર્થીઓ સહિત શંકાસ્પદ 7 જેટલા લોકોના નિવેદનો લેવાયા છે. કોર્સ વેરિફિકેશન કરવાના બાકી છે. તેના માટે પણ ઝડપથી બેઠકોનો દોર કરી તપાસ પૂર્ણ કરીશું. મહિનાની અંદર જ તપાસ પૂર્ણ થઈ જશે અને રિપોર્ટ જમા કરાવીશું.

બે વર્ષથી ફ્કત તપાસ પે તપાસ...કાર્યવાહી કંઈ જ નહિ

  • 23 માર્ચ 2020માં ઈસી સભ્ય હરેશ ચૌધરી દ્વારા કથિત કૌભાંડ બહાર લાવ્યું હતું.
  • એપ્રિલમાં 2020માં કૌભાંડ અંગે સરકારે સચિવ પંકજકુમારને તપાસ સોંપી
  • એક વર્ષ બાદ તેમણે કૌભાંડ થયું હોવાનો રિપોર્ટ સોંપ્યો
  • રિપોર્ટ આધારે કારોબારી કમિટીએ કુલપતિ સામે ખાતાકીય તપાસ સોંપી, ત્રણેય છાત્રોના પરિણામ સ્થગિત કર્યા
  • સરકારે 4 માસ પૂર્વે CIDમાં કૌભાંડ મામલે તપાસ સોંપી

​​​​​​​યુનિ. રોજમદાર કર્મચારીઓની દિવાળી સુધારવા એડવાન્સ પગાર સાથે વધારેલા ભથ્થા આપશે
યુનિવર્સિટીમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓને પગાર વધારા રૂપે રૂ.2800થી લઇ 5500 સુધી વધારેલા ભથ્થાંને કારોબારી દ્વારા મંજૂર કર્યો છે. આ વધારેલા ભથ્થા આ મહિનાના એડવાન્સ પગારમાં જ દિવાળી પૂર્વે કર્મચારીઓને અપાશે. અંદાજે 19 ઓક્ટોબરના રોજ કર્મચારીઓને વધારેલા ભથ્થા સાથે પગાર મળી જાય તે પ્રમાણે કાર્યવાહી કરાશે તેવું ઇન્ચાર્જ મહેકમ અધિકારી ચિરાગ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...