પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં ફરી એકવાર શહેરમાં અનધિકૃત દબાણોનો પ્રશ્ન ગાજ્યો હતો, જેને લઇને આજે એવો નિર્ણય કરાયો હતો કે, પાટણ શહેરની હદમાં બાંધકામ પરવાનગીઓ રજાચિઠ્ઠીઓની કામગીરી ઓનલાઇન આપવામાં આવે છે. તેવા બાંધકામોને મંજૂરી મળી હોય તેવા સ્થળોએ પાટણ પાલિકામાં સ્થળ નિરીક્ષણ માટે કોઇ જતું ન હોવાથી શહેરમાં બેફામપણે ગેરકાયદેસર બાંધકામો વધી રહ્યા છે. આથી રજાચીઠ્ઠી આપ્યા પછીનાં દર ત્રણ માસે નગરપાલિકાનાં જવાબદાર અધિકારીએ સ્થળ ચકાસણી કરવી તથા હવે પછી નગરપાલિકા એવા બાંધકામોને શરતી રજાચિઠ્ઠી આપવામાં આવી રહી છે તે હવે થી બંધ કરવાનો નિર્ણય કરાયો હતો.
દરમિયાન સુધરાઇ સભ્ય મનોજ કે. પટેલે સામાન્ય સભામાં પાટણ શહેરમાં બેરોકટોક બાંધકામો શરુ થઇ ગયા છે. આવા બાંધકામો કરનારા કોઇપણ વ્યક્તિ રજાચિઠ્ઠી લેતાં નથી ને રજાચિઠ્ઠી લીધા પછી તેની મંજુરી વિરુધ્ધનાં બાંધકામો કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, પાટણમાં બનતા શોપીંગ સેન્ટરોમાં પાર્કિંગની જગ્યા વેચી દે છે ને ભોંયરામાં દુકાનો બનાવી રહ્યા છે. પાલિકામાં જવાબદાર અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરે. જો આમ જ થતું રહેશે તો શહેરમાં ચાલવાની પણ જગ્યા નહીં રહે. શૈલેષ પટેલે પણ આવા બાંધકામોની નગરપાલિકા દ્વારા રેન્ડમલી ચેકીંગ કરાવવામાં આવે તથા રેસીડેન્સની મંજુરી મેળવીને કોમર્શિયલ બાંધકામ કરનારાઓને અટકાવવામાં આવે તેવી રજુઆત કરી હતી. મુકેશ જે. પટેલે પણ તેમનાં વોર્ડ નં. 6માં એક સ્થળે એક મિલકતધારકે પોતાનું મકાન બનાવવા રસ્તા ઉપર દબાણ કર્યુ હોવાનું ને તેને વારંવાર નોટીસો આપી હોવા છતાં પણ તેનું કામ બંધ થયું ન હોવાનું ફરી એકવાર જણાવ્યું હતું.
ડૉ. નરેશભાઇ દવેએ જણાવ્યું કે, શહેરમાં બનતા સી.સી. રોડ ઉપર કે ટ્રીમીક્ષ રોડ પર કાપા પાડવામાં ન આવ્યા હોવાથી પાણી પડેલું હોય તો લપસી પડવાનો ભય છે. જો કોન્ટ્રાક્ટરો પાસે આવા કાપા પાડવાનાં મશીનો ન હોય તો શા માટે ટેન્ડરો ભરે છે ? તેઓનાં બીલો ચુકવવા જ ના જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.