ખરીદી:2021ના નવા શૈક્ષણિક સત્રને લઇ પાટણની બજારોમાં પાઠયપુસ્તક ખરીદવા વાલીઓની ભીડ જામી

પાટણએક વર્ષ પહેલા
  • સ્ટેશનરીની દુકાનોમાં નોટબુક સહિત શિક્ષણની સાધન સામગ્રી ખરીદવા ચહેલ પહેલ
  • રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધો.એકથી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું

સમગ્ર રાજ્યમાં વૈશ્વિકકોરોના મહામારીનાં દોઢ વર્ષ બાદ આ મહિનાથી એટલે કે, જૂન માસથી નવા શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી શિક્ષણકાર્યથી વંચિત વિદ્યાર્થીઓનું આગામી સાતમી જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરુ થવા જઇ રહ્યું છે. જેને પગલે પાટણ શહેરની બજારોમાં આવેલી સ્ટેશનરીની દુકાનોમાં નોટબુક સહિત શિક્ષણની અન્ય સાધન સામગ્રી ખરીદવા ખરીદારોની ચહેલ પહેલ જોવા મળી રહી છે .

સમગ્ર વિશ્વના દેશોને હચમચાવી મુકનાર કોરોના મહામારીને લઇ મોટા ઉદ્યોગો અને નાના વેપારો સહિત શૈક્ષણિક કાર્યો પર તેની માઠી અસર થઇ હતી. વર્ષ 2020થી શરૂ થયેલા આ કાળચક્રમાં ધંધા રોજગારની સાથેસાથે શૈક્ષણિક કાર્ય ઠપ થઇ જતાં વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પણ મોટી અસર વર્તાઈ હતી. જોકે, સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2020નાં જૂન માસથી ઓનલાઇન શિક્ષણ શરુ કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થતાં રાજયના શિક્ષણ વિભાગ દ્વારા ધો.એકથી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને આગામી સાતમી જૂનથી નવા શૈક્ષણિક સત્રને શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને પગલે છેલ્લા દોઢ વર્ષથી શૈક્ષણિક કાર્યથી અળગા રહેલા વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષ શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે શહેરમાં આવેલી નોટબુક અને સ્ટેશનરીની દુકાનોમાં પાઠય પુસ્તકો ખરીદી કરવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની ચહેલપહેલ જોવા મળી રહી છે.

વર્ષ 2021નું નવું સત્ર પણ ઓનલાઈન જ શરુ કરવામાં આવશે. ત્યારે નવા ધોરણમાં આવનાર બાળકો માટે નવા પાઠયપુસ્તકો, નોટબુકો તેમજ અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે અત્યારથી જ સ્ટેશનરી દુકાનોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...