સન્માન સમારોહ:પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝની સિદ્ધિની ઉજવણી અંતર્ગત કોરોના વોરિયર્સનું સન્માન કરાયુ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તબીબો તથા નર્સીંગ સ્ટાફ સહિતના આરોગ્યકર્મીઓનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું પોલીસ વિભાગ તથા મેડીકલ સ્ટાફ દ્વારા કોરોના રસીકરણના 100 કરોડ ડોઝ થીમ પર રંગોળી તૈયાર કરવામાં આવી

પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝની સિદ્ધિની ઉજવણી અંતર્ગત કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો. જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા તથા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં વેક્સિનેશનની ઉત્તમ કામગીરી કરનારા આરોગ્યકર્મીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.

ગત તા.16 જાન્યુઆરીથી દેશભરમાં શરૂ થયેલા કોરોના પ્રતિરોધક રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 100 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. કોરોનાકાળ દરમિયાન દર્દીઓની સારવાર અને રસીકરણ અભિયાન અંતર્ગત સતત કાર્યરત રહેલા હેલ્થકેર વર્કર્સની કામગીરીને બિરદાવવાના ભાગરૂપે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે સન્માન સમારોહ યોજાયો. જેમાં જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક ઉપરાંત નાયબ પોલીસ અધિક્ષકઓ દ્વારા પાટણ તથા ધારપુર જનરલ હોસ્પિટલના તબીબો તથા નર્સીંગ સ્ટાફ સહિતના આરોગ્યકર્મીઓનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝની સિદ્ધિમાં પાટણ જિલ્લાનું પણ યોગદાન છે. આજે જિલ્લામાં મહત્તમ રસીકરણ માટે સતત કાર્યરત આરોગ્યકર્મીઓનું વહિવટી તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં બાકી રહેલા નાગરિકોનું પણ ઝડપથી રસીકરણ પૂર્ણ કરી શકાય તે માટે તેમને પ્રોત્સાહન મળશે.

પાટણ સિવિલ હોસ્પિટલના વેક્સિનેશન વોર્ડ નજીક પોલીસ વિભાગ તથા મેડીકલ સ્ટાફ દ્વારા કોરોના રસીકરણના 100 કરોડ ડોઝ થીમ પર રંગોળી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.એ.આર્ય, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ. અરવિંદ પરમાર, ધારપુર જનરલ હોસ્પિટલના મેડીકલ સુપરિટેન્ડન્ટ ડૉ. મનીષ રામાવત, નાયબ પોલીસ અધિક્ષકઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ તથ પાટણ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...