રજૂઆત:પાટણમાં પાલિકાના કામમાં કોન્ટ્રાક્ટર,કન્સલ્ટન્ટે ટેન્ડરની શરતોનું પાલન ન કરી ભ્રષ્ટાચાર આચર્યો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલનું ચુકવણું ન કરવા પાલિકાના વિપક્ષના મહિલા કોર્પોરેટરની સીઓને રજૂઆત
  • 58 લાખના HTP પ્લાન્ટ અને ફાઈવ એલપી ભવનથી હાંસાપુર સુધીના રોડની કામગીરીમાં RMC પ્લાન્ટમાંથી કોક્રિટ લાવવાના બદલે ફ્લોરી મશીન વડે કામ કરતા હોવાની ફરિયાદ

પાટણમાં પાલિકાના બની એચ. ટી.પી પ્લાન્ટ માખણીયા તેમજ 5 LP ભવનથી હાંસાપુર સુધીનો રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ દ્વારા ટેન્ડરની શરતોનું પાલનના કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે વિપક્ષના મહિલા કોર્પોરેટર દ્વારા ચીફ ઓફિસર રજૂઆત કરી જરૂર પડે તો પુરાવા પણ રજૂ કરવામાં આવશે તેવી ખાતરી સાથે કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવવા માટે રજૂઆત કરાતા પાલિકામાં વિવાદ સંસેડાયો છે.

પાટણ શહેરમાં પાલિકા દ્વારા સરકારની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ.58 લાખના ખર્ચે એચડીપી પ્લાન્ટ માખણીયા અને ફાઈવ એલપી ભવનથી હાંસાપુર ગામમાં ઊંઝા હાઇવે સુધીનો રોડ કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ દ્વારા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ કામગીરીમાં કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડરની શરત મુજબ સરકારે નક્કી કરેલ RMC પ્લાન્ટમાંથી કોક્રીટ વાપરવાનો હોવા છતાં ફ્લોરી મશીનથી કામગીરી કરવામાં આવી રહી છે. જેથી ટેન્ડર મુજબ કામ ના કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોય કોન્ટ્રાક્ટર તથા કન્સલ્ટન્ટ ઉપર કાયદેસરના પગલાં લેવા તથા કોન્ટ્રાક્ટરનું બિલનું ચૂકવવાનું કરવું નહીં તેવી મહિલા કોર્પોરેટર નેહાબેન વિજયભાઈ પટેલ દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમજ આ બાબતે પ્રાદેશિક કમિશનરને પણ પત્ર વ્યવહાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

ભ્રષ્ટાચારના પુરાવા જરૂર પડે રજૂ કરીશ : મહિલા કોર્પોરેટર
વોર્ડ નંબર 2ના મહિલા કોર્પોરેટર નેહાબેન પટેલે જણાવ્યું હતું કે બંને કામમાં સરકારે નક્કી કરેલ RMCમાંથી કોક્રીટ લાવવામાં આવે પરંતુ કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ દ્વારા શરતનો ભંગ કરી ફ્લોરી મશીનથી કામગીરી કરી મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. જેના મારી પાસે વિડીયો અને ફોટોગ્રાફ છે જરૂર પડશે તો હું ચીફ ઓફિસર સમક્ષ રજૂ કરીશ જેથી ટેન્ડર મુજબ કામગીરી થઈ રહી ના હોય કોન્ટ્રાક્ટનું બિલ ચુકવણું કરવામાં ના આવે તેવી માગણી છે.

કામ ટેન્ડર પ્રમાણે યોગ્ય રીતે થઈ રહ્યું છે : પાલિકા પ્રમુખ
પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું કે રોડની કામગીરીની સમય અંતરે સમીક્ષા કરવા માટે એન્જિનિયર દ્વારા વિઝીટ કરવામાં આવી છે. મે પણ કામના સ્થળ ઉપર જઈને મુલાકાત લીધી હતી. કામ ટેન્ડર પ્રમાણે યોગ્ય રીતે થઈ રહ્યું છે. મહિલા કોર્પોરેટરની રજુઆત અંગે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે

યોગ્ય તપાસ નહીં કરાય તો આક્રમક વિરોધ પ્રદર્શન : વિપક્ષ
પાલિકાના (કોંગ્રેસ)વિપક્ષના સભ્ય ભરત ભાટીયાએ જણાવ્યું હતું કે પક્ષના કોર્પોરેટર દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે અને પુરાવા હોવાની પણ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. બંને રોડ પ્રજા માટેના હોય યોગ્ય બને માટે પક્ષ સભ્યો દ્વારા સભામાં આ મુદ્દો આક્રમક રીતે ઉઠાવવામાં આવશે. જો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને સત્ય બહાર લાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...