રોગચાળો ફેલાવાની ભીતિ:પાટણના ખાલકશાપીર માર્ગ પર ભૂગર્ભ ગટરના દૂષિત પાણી રેલાતા સ્થાનિકોને મુશ્કેલી

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ નગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલી ભૂગર્ભ ગટર યોજના મોટાભાગના વિસ્તારમાં નિષ્ફળ બની હોવાની બૂમરાણ શહેરીજનોમાં ઉઠી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ચોકઅપ બનતી ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને માર્ગો પર દૂષિત પાણી ભરેલા હતા રોગચાળો ફેલાવવાની ભીતિ સર્જાઈ છે.

મચ્છરજન્ય રોગચાળાની ભીતિ
શહેરના ખાલકશા પીર માર્ગ પર છેલ્લાં ઘણાં સમયથી ભૂગર્ભ ગટર લાઇન ચોક અપ બની છે. જેના કારણે આ વિસ્તારના માર્ગો પર ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ઉભરાતાં માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો સહિત વિસ્તારના રહીશોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે. તો દૂષિત પાણી રોડ સાઈડના ખાડાઓમાં ભરાઈ રહેતાં મચ્છરજન્ય-જીવજંતુનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેને લઇને આ વિસ્તારના રહીશોમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ પ્રબળ બની છે.

આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી
ખાલકસાપીર માર્ગ પર છેલ્લાં કેટલાક દિવસથી ચોક અપ બનેલી ભૂગર્ભ ગટર લાઈન બાબતે આ વિસ્તારના કોર્પોરેટરો સહિત નગરપાલિકા તંત્રનું રહીશો દ્વારા ધ્યાન દોરવા છતાં આજદિન સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. જેના કારણે વિસ્તારના રહીશોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. આ સમસ્યાને લઈને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રહીશો દ્વારા ભાજપના ઉમેદવારને નુકશાન થઈ શકે તેમ હોવાથી તાત્કાલિક ધોરણે પાલિકાના સત્તાધીશો દ્વારા આ વિસ્તારની ભૂગર્ભ ગટરની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માગ પ્રબળ બનવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...