વિકાસના કામોને વેગ:પાટણ શહેરમાં નવા નવજીવન બ્રિજ નીચે આરસીસી રોડ બનાવાની કામગીરીનો પ્રારંભ

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં તાજેતરમાં નવનિર્મિત નવજીવન ફ્લાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયા બાદ હવે બ્રિજની નીચે બન્ને બાજુએ 7 મીટર પહોળો સીસી રોડ બનાવવા કામગીરી હાથ ધરાઈ છે. અહીં બ્રિજના ગંજબજારના એક છેડેથી શ્રમજીવી તરફના બીજા છેડા સુધી 1500 મીટર લાંબો આરસીસી રોડ બનાવવામાં આવશે.

પાટણ શહેરમાં વિકાસ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. શહેરના હાઈવે પર બે નવા બ્રિજ નિર્માણ પામતા પાટણથી ડીસા અને પાટણથી ચાણસ્મા તરફ જવા માટે નાના મોટા વાહન ચાલકોને ટ્રાફિકમુક્ત સુંદર સુવિધા ઉપલબ્ધ થવા પામી છે અને વાહન ચાલકો છે. નવા બ્રિજ પરથી સડસડાટ પસાર થઈ રહ્યા છે. જોકે, તાજેતરમાં જ ખુલ્લા મુકવામાં આવેલા નવજીવન બ્રિજની નીચેના ભાગે બંને તરફ ડાયવરઝન અપાયા બાદ નવો રોડ બનાવવા બાબતે જવાબદાર તંત્ર દ્વારા હોતી હૈ ચલતી હૈ નીતિ અપનાવાતા નાના વાહન ચાલકોને ઉબડખાબડ રોડના કારણે પારા વાર મુશ્કેલીઓનો ભોગ બનવું પડતું હોવાની વ્યાપક બુમો પ્રવર્તી રહી હતી.

નવા બનેલા નવજીવન બ્રિજની નીચેના ભાગે રોડની હાલત ખૂબ જ ખરાબ હોઇ વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં પારાવાર હેરાનગતિ ભોગવી પડી રહી છે ત્યારે લોકોની આ મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને હવે નવજીવન બ્રિજની બંને બાજુએ નવીન રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જોકે, સીસી રોડ બનવાનો હોઈ હયાત રોડ તોડીને નવો રોડ બનાવવા જેસીબી અને ડમ્પર તેમજ ટ્રેક્ટરોનો ઉપયોગ કરાઈ રહ્યો છે ત્યારે લોકોની અવરજવર ચાલુ જ રહેતા કામગીરીમાં મુશ્કેલી અનુભવાઈ રહી હોવાનું સ્થળ પરના વ્યક્તિએ જણાવ્યું હતું. તેમણે એક અઠવાડિયામાં કામગીરી પુરી કરવાની શકયતા વ્યક્ત કરી હતી.

નવા બનેલા નવજીવન બ્રિજની નીચેના ભાગે બંને તરફ રોડની હાલત ખૂબ જ ખરાબ અને ઉબડખાબડ બની જવા પામી હતી અને ગટરો ઉભરાવાના કારણે તેના દુર્ગંધયુક્ત પાણી રોડ ઉપર પ્રસરવાના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ઉપરાંત રાહદારીઓ માટે પણ આ રસ્તા પરથી ચાલવું મુશ્કેલીરૂપ બન્યું હતું અને તંત્ર દ્વારા ઝડપથી અહીં નવો સુવિધાજનક રોડ બનાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી હતી.

અહીં આ રોડ પર ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોઈ તેને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં વરસાદી પાણીનો નિકાલ કે ટ્રાફિક સહિતની સમસ્યા ઓછી સર્જાય અને રોડ લાંબો સમય સુધી ટકી શકે તેવો મજબૂત અને સુવિધાજનક બને તે જોવા તંત્ર તકેદારી લે તેવી લોક લાગણી જાણવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...