ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ:બળવાના ડરે કોંગ્રેસે 4,ભાજપે 2 બેઠકો બાકી રાખી

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાજપે પાટણ-રાધનપુર બેઠક અને કોંગ્રેસે ચાણસ્મા બેઠક ઉપર વિવાદને લઈ ઉમેદવારો પસંદ કરવામાં વિલંબ
  • કોંગ્રેસમાંથી પાટણમાં કિરીટ પટેલ, સિદ્ધપુરમાં ચંદનજી ઠાકોર 16 મીએ, રાધનપુર રઘુ રબારી 17 મીએ ઉમેદવારી ફોર્મ ભરશે

પાટણ જિલ્લાની ચારેય વિધાનસભા ઉપર ભાજપ અને કોંગ્રેસના દાવેદારોની લાગેલી લાઈન વચ્ચે ભાજપે સિદ્ધપુર અને ચાણસ્મા બંને બેઠક ઉપર ઉમેદવારો જાહેર કરતા ચિત્ર સ્પષ્ટ થવા પામ્યું છે. પરંતુ સ્થાનિક ઉમેદવારની માંગ અને આંતરિક વિવાદના કારણે રાધનપુર તેમજ પાટણ બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ કરાયો છે. ત્યારે કોંગ્રેસે ચારેય વિધાનસભામાંથી એકપણ બેઠકના સત્તાવાર ઉમેદવારો જાહેર ના કરતા સ્થાનિક સંગઠન અને સમર્થકો સહિત લોકોમાં ઉમેદવારોના નામોને લઈ આતુરતા વધવા પામી છે.

ત્યારે કોંગ્રેસ પક્ષમાંથી સત્તાવાર જાહેરાત પૂર્વે જ ઉમેદવારી કરવા માટે જિલ્લાના પાટણ, સિદ્ધપુર અને રાધનપુરના ત્રણેય વર્તમાન ધારાસભ્યો દ્વારા કોંગ્રેસ પક્ષમાંથી જ ટિકિટ મળવાની નક્કી હોવાના દાવા સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયાર કરી છે. જિલ્લા પ્રમુખ દ્વારા હજુ સત્તાવાર જાહેરાત ના કરાઈ હોય ઉમેદવારો ફાઇનલ ન હોવાનું કહેતા કોંગ્રેસમાં અવઢવ યથાવત રહી છે. કોંગ્રેસ પ્રદેશમાંથી વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવાની જાણ કરી દેવાઈ હોય તેમ દાવા સાથે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા વર્તમાન કોંગ્રેસના ત્રણે ધારાસભ્યોએ ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે.

જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સિદ્ધપુરમાંથી ચંદનજી ઠાકોર 16મી તારીખે પોતાના સમર્થકો સાથે વાજતે ગાજતે ફોર્મ ભરવાની પ્રક્રિયા કરશે તેવું તેમને જણાવ્યુ હતુ. તેમજ રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ 17 મી તારીખે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવાના હોવાનું જણાવ્યું હતું. ત્રણેય ધારા સભ્યો સાથે વાતચીત કરતાં તેમને ટિકિટ ફાઇનલ હોવાનું કહીં પોતાના મત વિસ્તારમાં ફરી ચૂંટણી લડવા માટેનું જણાવ્યું હતું.

બળવો,વિરોધ ખાળવા ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ થયાની અટકળો
પાટણ જિલ્લાની બેઠકો માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા ભાજપથી પહેલા પૂરી કરી દેવાઈ હતી ત્યારપછી ઉમેદવારો જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. વર્તમાન ત્રણે ધારાસભ્યોને રીપીટ કરાશે તેવી લોકોની ધારણા વચ્ચે ધારાસભ્યો ફોર્મ પણ ભરનાર છે. ત્યારે એકમાત્ર ચાણસ્મા બેઠક ઉપર સ્થાનિક ઉમેદવારની માંગ થઈ હતી.જોકે,તેમ છતાં બીજી બેઠકના ઉમેદવાર જાહેર ન થતાં લોકોમાં ઉત્સુકતા અને અવઢવ સર્જાઇ રહ્યા છે.

14મીએ કોંગ્રેસ સત્તાવાર ઉમેદવારો જાહેર કરી શકે છે : જિલ્લા પ્રમુખ
જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોરને પૂછતાં તેમણે જણાવ્યું કે હજુ સુધી પ્રદેશમાંથી કોઈ પણ ઉમેદવારોની સત્તાવાર જિલ્લામાં જાહેરાત કરાઈ નથી. જેથી ઉમેદવારો નક્કી હોવા મામલે કંઈ કહીં શકીશ નહીં. આગામી 14 નવેમ્બર સુધીમાં પક્ષ દ્વારા સત્તાવાર ઉમેદવારોની જાહેરાત કરાશે તેવું પક્ષના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...